વ્યાજદરમાં વિસ્ફોટ, એક ઝાટકે 50 બેઝિસ પોઇન્ટનો વધારો

યુકેમાં વ્યાજદર 4.5 ટકાથી વધી સીધો 5.0 ટકા, છેલ્લા 15 વર્ષની ટોચે પહોંચ્યો, મોર્ગેજબિલ, બેન્ક-કાર-પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ દ્વારા કરાતા ખર્ચ મોંઘાદાટ બનશે

Tuesday 27th June 2023 13:25 EDT
 
 

લંડનઃ બેન્ક ઓફ ઇંગ્લેન્ડે ગુરુવારે વ્યાજદરમાં 50 બેઝિસ પોઇન્ટનો વધારો કરતાં યુકેમાં વ્યાજદર છેલ્લા 15 વર્ષની ટોચની સપાટી પર પહોંચી ગયો છે. આ સાથે વ્યાજદર 4.5 ટકાથી વધીને 5.0 ટકા થયો છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજદરમાં આ સતત 13મો વધારો છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડની 9 સભ્યોની મોનેટરી પોલિસી કમિટીએ 7 વિરુદ્ધ બે મતથી આ વ્યાજદર વધારાને મંજૂરી આપી હતી. મે મહિનામાં ફુગાવાનો દર 8.7 ટકા પર યથાવત રહેતાં બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા ફુગાવાને નિયંત્રણમાં લેવા આ આકરું પગલું લેવાયું છે. હાલ યુકેમાં ફુગાવાનો દર બેન્કના લક્ષ્યાંક કરતાં ચાર ગણો છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડની મોનેટરી પોલિસી કમિટીએ જણાવ્યું હતું કે, અમને આશા છે કે આ વર્ષે ફુગાવાના દરમાં નોંધપાત્ર ઘટાડો થશે.

આ વ્યાજદરમાં વધારાના પગલે વેરાયેબલ રેટ પર રહેલા મોર્ગેજના દરોમાં તાત્કાલિક વધારો થશે. તે ઉપરાંત બેન્ક, ઓટો, પર્સનલ સહિતની તમામ પ્રકારની લોન પણ મોંઘી બનશે. ક્રેડિટ કાર્ડ દ્વારા કરાતો ખર્ચ પણ મોંઘો બની રહેશે.

મેમાં અંદાજ પ્રમાણે ફુગાવામાં ઘટાડો ન થયો, હવાઇપ્રવાસ, ગૂડ્સ અને સર્વિસિઝ મોંઘા બન્યાં

મોર્ગેજ ડીલ્સમાં વ્યાજદરમાં વધારાના કારણે ત્રાહિમામ બ્રિટિશ જનતા માટે વધુ એક માઠા સમાચાર છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સે જાહેર કરેલા આંકડા અનુસાર મે મહિનામાં ફુગાવાનો દર 8.7 ટકા પર સ્થિર રહ્યો છે. અગાઉ અંદાજ માંડવામાં આવ્યો હતો કે, મે મહિનામાં ફુગાવાના દરમાં મધ્યમ ઘટાડો જોવા મળી શકે છે. ઓએનએસના જણાવ્યા અનુસાર હવાઇ મુસાફરીના દરો, કલ્ચરલ ગૂડ્સ અને સર્વિસિઝ, સેકન્ડ હેન્ડ કારની કિંમતોમાં વધારાના કારણે ફુગાવાના દરમાં ઘટાડો થયો નથી

ખાદ્યાન્ન ફુગાવો 14.5 ટકા, ખાદ્યપદાર્થો પાછળનો ખર્ચ 20 ટકા વધ્યો

ખાદ્યપદાર્થોના ભાવમાં થોડો ઘટાડો છતાં હજુ ખાદ્યાન્ન ફુગાવો 14.6 ટકાના સ્તરે રહ્યો છે. એપ્રલ મહિનામાં ખાદ્યાન્ન ફુગાવો 15.4 ટકાની સપાટી પર રહ્યો હતો. ફુગાવામાં ઘટાડા છતાં સંખ્યાબંધ ખાદ્યપદાર્થોની કિંમતોમાં મોટો વધારો પણ જોવા મળી રહ્યો છે. બેક્ડ બીન્સની કિંમતમાં 22 ટકા અને ઇંડાની કિંમતમાં 19 ટકાનો વધારો થયો છે. ઓએનએસના જણાવ્યા અનુસાર બ્રિટનવાસીઓ ખાદ્યપદાર્થો અને ડ્રિન્ક પાછળ 20 ટકા વધુ ખર્ચ કરી રહ્યાં હોવા છતાં તેમને 3 ટકા ઓછો સામાન મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter