લંડનઃ બેન્ક ઓફ ઇંગ્લેન્ડે ફરી એકવાર વ્યાજદરોને 5.25 ટકા પર યથાવત રાખ્યાં છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડે જણાવ્યું છે કે અમે વ્યાજ દરોમાં ઘટાડો કરવા પર ચર્ચા કરી હતી. બેન્કના ગવર્નર એન્ડ્રુ બેઇલીએ જણાવ્યું હતું કે, ફુગાવો નિયંત્રણમાં આવી ગયો છે તેવા નક્કર પુરાવા ન મળે ત્યાં સુધી અમે વ્યાજદરમાં ઘટાડો કરવા માટે રાહ જોઇશું.
2020માં કોરોના મહામારી બાદ પહેલીવાર બેન્ક ઓફ ઇંગ્લેન્ડના પોલિસી મેકર્સમાં વ્યાજદર મુદ્દે મતભેદ જોવા મળ્યા હતા. બેન્ક ઓફ ઇંગ્લેન્ડની મોનેટરી પોલિસી કમિટીના સભ્ય એવા સ્વાતી ધિંગરાએ વ્યાજદરમાં ઘટાડો કરી 5.0 ટકા કરવા જ્યારે અન્ય બે સભ્યે વ્યાજદર વધારીને 5.5 ટકા કરવા ભલામણ કરી હતી. બાકીના 6 સભ્યોએ વ્યાજદર યથાવત રાખવાની તરફેણમાં મતદાન કર્યું હતું.
2008ની આર્થિક કટોકટી બાદ પહેલીવાર મોનેટરી પોલિસી કમિટીમાં ત્રણ દિશામાં ભાગલા જોવા મળ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ફુગાવાને નિયંત્રિત કરવા બેન્ક દ્વારા વ્યાજદરોમાં વધારો કરાતો હતો. છેલ્લે ઓગસ્ટ 2023માં વ્યાજદરમાં વધારો કરાયો હતો. ઓક્ટોબર 2022માં ફુગાવાનો દર છેલ્લા 40 વર્ષની ટોચે પહોંચ્યો હતો. હાલમાં ફુગાવાનો દર ઘટીને 4 ટકા પર આવ્યો છે. બેન્ક ફુગાવાના દરને 2 ટકા પર લાવવાનું લક્ષ્યાંક ધરાવે છે.

