લંડન
કાતિલ શિયાળાએ સમગ્ર બ્રિટનને તેની આગોશમાં સમાવી લીધો છે. વ્હાઇટ ક્રિસમસના એંધાણ સમાન બરફવર્ષાએ ચોમેર સફેદ બરફની ચાદર પ્રસરાવી દીધી છે. 11 ડિસેમ્બરની રાત બ્રિટનમાં વર્ષની અત્યાર સુધીની સૌથી ઠંડી રાત નોંધાઇ હતી. કેટલાક વિસ્તારોમાં તાપમાન માઇનસ 15.6 ડિગ્રી સુધી ગગડી ગયું હતું. ઇંગ્લેન્ડમાં 9 સેમી જેટલી ભારે હિમવર્ષા નોંધાતા હજારો લોકોને ઘેર પરત ફરવામાં મુશ્કેલી પડી હતી. બ્રિટનના એરપોર્ટો પર ફ્લાઇટો રદ કરી દેવાતાં હજારો પ્રવાસીઓ ફસાઇ ગયાં હતાં. એમ25 સહિતના મોટરવે કલાકો સુધી બંધ રખાતાં કિલોમીટરો લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. વિપરિત હવામાનના કારણે ઘણી ટ્રેનોને જ્યાં હતી ત્યાં અટકાવી દેવાતાં રેલવે સેવાઓ પર ગંભીર અસર પડી હતી. બીજીતરફ કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસનો સામનો કરી રહેલી બ્રિટનની જનતાને કેટલીક એનર્જી ફર્મ દ્વારા સાંજે પાંચથી સાત વાગ્યા સુધી વીજ વપરાશમાં કાપ મૂકવાની સૂચના અપાતા લોકોને ઘરોમાં પણ ઠૂંઠવાઇ જવાની ફરજ પડી હતી.


