વ્હિસલ બ્લોઅરને 2..3 મિલિયન પાઉન્ડનું વળતર ચૂકવવા રોયલ મેઇલને આદેશ

રોયલ મેઇલે ગેરરિતી સામે અવાજ ઉઠાવનાર કર્મચારીને નોકરીમાંથી હાંકી કાઢી હતી

Tuesday 11th July 2023 12:37 EDT
 
 

લંડનઃ રોયલ મેઇલમાં ચાલતી કેટલીક ગેરરિતીઓ સામે અવાજ ઉઠાવવા માટે નોકરીમાંથી હાંકી કઢાયેલી કર્મચારીને 2.3 મિલિયન પાઉન્ડનું વળતર ચૂકવવાનો લંડન સેન્ટ્રલ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ દ્વારા આદેશ અપાયો છે. રોયલ મેઇલ ગ્રુપના માર્કેટ રિસર્ચ યુનિટમાંફરજ બજાવતી મિસ ઝુટીએ તેના વિભાગમાં ઓફકોમની ગાઇડલાઇનના થતા ઉલ્લંઘન અને કેટલાક કર્મચારીઓને અપાતા બોનસ સામે અવાજ ઉઠાવતાં વર્ષ 2013માં નોકરીમાંથી હાંકી કઢાઇ હતી. જેના કારણે તેને વ્યાપક પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો.

મિસ ઝુટીએ ફરિયાદ કરી હતી કે રોયલ મેઇલ ખાતે તેની સાથે થયેલા વર્તાવના કારણે તે ડિપ્રેશનમાં સરી પડી હતી, તેને પેનિક એટેક આવવા લાગ્યા હતા. માનસિક આરોગ્ય કથળતાં તે અન્ય કોઇ સ્થળે નોકરી કરવામાં પણ સક્ષમ રહી નહોતી. એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે મિસ ઝુટીના દાવાઓ અને પુરાવાને સ્વીકારી તેને વળતર તરીકે 1,09,065 પાઉન્ડ અને નુકસાન પેટે 12,500 પાઉન્ડ ચૂકવવા રોયલ મેઇલને આદેશ આપ્યો હતો.

જોકે હવે લંડન સેન્ટ્રલ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે વળતરની ગણતરીમાં ભૂલ હોવાનું ઠરાવી વળતરની રકમ 23,65,614.13 પાઉન્ડ ઠરાવી આપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter