લંડનઃ સશસ્ત્ર મેટ્રોપોલીટન પોલીસે આઠ માર્ચ રવિવારની રાત્રે લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેર નજીક શંકાસ્પદ વર્તન કરતા માણસને ઠાર માર્યો હતો. આ માણસે બે ચાકુ કાઢ્યા હતા. પોલીસે ટેસરનો આંચકો આપ્યો હતો. અને તેને ગોળીથી ઈજા પહોંચાડી હતી. પાછળથી આ માણસ મૃત જાહેર કરાયો હતો. પોલીસે આ ઘટનાને ત્રાસવાદ સંબંધિત ગણાવી નથી.
પોલીસે જણાવ્યું હતું કે રવિવાર, આઠ માર્ચની રાત્રે ૧૧.૨૫ના સુમારે વેસ્ટમિન્સ્ટર નજીક પેટ્રોલ પરના અધિકારીઓએ બે ચાકુ કાઢીને શંકાસ્પદ વર્તન કરતા માણસને ઝડપી ટેસર કર્યો હતો. ઓફિસરોએ શંકાસ્પદ માણસને પડકારતા તેણે બે ચાકુ કાઢ્યા હતા. એક અધિકારીએ તેને ગોળી મારતા તેને ઈજા પહોંચી હતી અને લંડન એમ્બ્યુલન્સ સર્વિસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી પરંતુ, તેને પાછળથી મૃત જાહેર કરાયો હતો.
ટ્રાન્સપોર્ટ ફોર લંડન દ્વારા જણાવાયું હતું કે નોર્થ્મ્બરલેન્ડ એવન્યુ અને વ્હાઈટહોલનો એક હિસ્સો બંધ કરી દેવાયો હતો. આ બંને માર્ગ ટ્રફાલ્ગર સ્ક્વેર થઈને જાય છે. અગાઉ, રવિવારે ક્રિસ્ટલ પેલેસના સ્ટેડિયમ સેલહર્સ્ટ પાર્ક નજીક એક બસમાં ૧૭ વર્ષના કિશોરનુી ચાકુ મારી હત્યા કરાઈ હતી. ગયા મહિને અંડરકવર પોલીસે સાઉથ લંડનના સ્ટ્રેધામ ખાતે બનાવટી સ્યુસાઈડ વેસ્ટ પહેરીને ફરતા જેહાદી ચાકુધારીને ઠાર માર્યો હતો. આ જેહાદીએ બે વ્યક્તિને ચાકુથી ઈજા પહોંચાડી હતી.