શતાયુ દાદીમાનો ઘર માટેનો લગાવ!

Saturday 03rd October 2020 07:27 EDT
 
 

લંડન: ઘર માટે એવું કહેવાય છે કે ધરતીનો છેડો ઘર. બ્રિટનમાં ૧૦૦ વર્ષનાં એક દાદીમાએ પોતાનું ખૂબ જ સુંદર ઘર છોડવું ન પડે તે માટે હજુ સુધી લગ્ન નથી કર્યા. ૧૦૦ વર્ષથી એક જ ઘરમાં જીવનસાથી વિના રહેતા આ વૃદ્ધાનું નામ વેરા બન્ટિંગ છે. તેમણે ૨૨ સપ્ટેમ્બરે જ આયુષ્યના ૧૦૦ વર્ષ પૂરા કર્યા છે. ૧૦૦મો જન્મદિવસ પણ તેમણે લેક ડિસ્ટ્રિક્ટના એમ્બલસાઇડ ખાતેના પોતાના ઘરમાં જ મનાવ્યો. દાદીમા જણાવે છે કે ૧૯૨૧માં તેઓ ૬ મહિનાના હતા ત્યારે તેમના માતા-પિતા તેમને લઇને બે માળના આ ઘરમાં રહેવા આવ્યા હતા. બસ ત્યારથી તેઓ અહીં જ વસે છે.
વેરા પોતાના ઘરને આ ધરતી પરની સૌથી સુંદર જગ્યા માને છે અને આ ઘર છોડવું ન પડે તે માટે તેઓ અત્યાર સુધીમાં લગ્નના ચાર - ચાર પ્રસ્તાવ ફગાવી ચૂક્યા છે, જે તેમને બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ મળ્યા હતા. તેઓ આ ઉંમરે પણ તંદુરસ્ત અને સ્ફૂર્તિલા છે. તેમને એક મોટા બહેન મેરી અને એક નાનો ભાઇ રોબર્ટ પણ છે. જોકે, તેઓ બન્ને અન્યત્ર રહેતા હોવાથી આ ઘરમાં વેરા એકલા જ રહે છે.
વેરા કહે છે કે તેમને વોકિંગ ગમે છે અને તેઓ ઘરની નજીકમાં આવેલા તમામ પહાડો ચઢી ચૂક્યા છે. તેઓ આ ઉંમરે પણ આરામથી ચાલી શકે છે. તેમના ઘરે રસોઇ બનાવવા તેમજ ઘરકામ માટે એક મેઇડ આવે છે. તેઓ નજીકમાં જ રહેતા ભત્રીજા-ભત્રીજીઓ સાથે દરરોજ સવારે ફોન પર વાત કરે છે. વેરા ડ્રેસમેકર હતા, પણ હવે નિવૃત્ત થઇ ચૂક્યા છે. તેઓ નાના હતાં ત્યારે તેમના ઘરની આસપાસ ચોતરફ ખેતરો અને વૃક્ષો જ વૃક્ષો હતા, જ્યાં હવે મકાનો ઊભા થઇ ગયા છે. બાળપણમાં તેઓ ઘરની નજીકના ખુલ્લા મેદાનોમાં આખો દિવસ રમ્યા કરતા હતા અને એ દિવસોને ખૂબ સરસ અને યાદગાર સમય ગણાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter