શનિવારે કોમન્સની ખાસ બેઠકઃ ઈયુ સાથે સમજૂતીની નહિવત્ શક્યતા

પાર્લામેન્ટના સત્રને આઠથી ૧૪ ઓક્ટોબર સુધી ફરી સસ્પેન્ડ કરાયુંઃએન્જેલા મર્કેલ અને વડા પ્રધાન બોરિસ વચ્ચે ટેલિફોન પર શાબ્દિક યુદ્ધ પછી બ્રેક્ઝિટ વાટાઘાટો લાઈફ સપોર્ટ પર

Thursday 10th October 2019 05:56 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન બ્રેક્ઝિટના પાર્લામેન્ટરી શોડાઉન માટે સજ્જ થઈ રહ્યા છે ત્યારે શનિવાર ૧૨ ઓક્ટોબરે હાઉસ ઓફ કોમન્સની બેઠક યોજવાની જાહેરાત કરાઈ છે. ફોકલેન્ડ્સ વોર પછી પહેલી વખત શનિવારે બેઠક યોજાશે. આ બેઠકનો ઉપયોગ વિશ્વાસના મત અથવા વહેલી સામાન્ય ચૂંટણી માટે દબાણ કરવાના વડા પ્રધાનના વધુ એક પ્રયાસ તરીકે હશે. દરમિયાન, પાર્લામેન્ટના સત્રને આઠથી ૧૪ ઓક્ટોબર સુધી ફરી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. અગાઉ, પાંચ સપ્તાહ લાંબા સ્પેન્શનને સુપ્રીમ કોર્ટે ગેરકાયદે ઠરાવ્યું હતું. પાર્લામેન્ટ ફરી સસ્પેન્ડ થવા સાથે ૨૦૧૭ની ૨૧ જૂને શરૂ થયેલા સૌથી લાંબા સંસદીય સત્રનો અંત આવશે. આ સત્રમાં ૮૩૯ કેલેન્ડર દિવસો હતા. બીજી તરફ, ઈયુ સાથે સમજૂતી શક્યતા તદ્દન ઘટી છે અને બંને પક્ષ તેમજ આયર્લેન્ડ રિપબ્લિકના નેતાઓ એકબીજા સામે આક્ષેપો કરી રહ્યા છે.

શુક્રવારે બ્રસેલ્સમાં ઈયુ શિખર પરિષદમાં સમજૂતી થાય કે ના થાય, બોરિસ જ્હોન્સન સાંસદોને બોલાવશે. જો સમજૂતી થશે તો તેને આગળ વધારવા ખરડાની પ્રક્રિયા તત્કાળ હાથ ધરાશે. જો નહિ થાય તો, બ્રેક્ઝિટ લંબાવવાનો આદેશ કરતા રીમેઈનર્સ-બળવાખોરોના બેન એક્ટને અનુસરવાનો ઈરાદો રાખે છે કે નહિ તે વડા પ્રધાન સ્પષ્ટ કરશે. બેન એક્ટમાં જણાવાયું છે કે ૧૯ ઓક્ટોબર સુધી પાર્લામેન્ટ દ્વારા સમજૂતીને બહાલી ન મળે તો વડા પ્રધાને બ્રેક્ઝિટ લંબાવવા માગણી કરવાની રહેશે. સરકારે કોર્ટ સમક્ષ તે આ કાયદાને માન આપશે તેમ જણાવ્યું છે પરંતુ, સાંસદોને કાયદામાં છીંડા હોવાનો ભય છે, જેનો જ્હોન્સન ઉપયોગ કરી શકે છે. જ્હોન્સને ભારપૂર્વક કહ્યું છે કે કોઈ પણ સંજોગોમાં તેઓ બ્રેક્ઝિટ લંબાવવા ઈયુ પાસે માગણી કરશે અને ૩૧ ઓક્ટોબરની મર્યાદામાં બ્રેક્ઝિટ પૂર્ણ કરશે.

કોમન્સની શનિવારની બેઠક ૧૯૩૯ પછી માત્ર ચાર વખત યોજાઈ છે. ૧૯૩૯માં દ્વિતીય વિશ્વ યુદ્ધ ફાટી નીકળવા મુદ્દે તેમજ ૧૯૪૯ના જુલાઈમાં અસ્પષ્ટ કારણોસર બેઠક મળી હતી. આ પછી, ત્રીજી નવેમ્બર ૧૯૫૬માં સુએઝ કટોકટીને વિચારવા તેમજ ૧૯૮૨ની ત્રીજી એપ્રિલે ફોકલેન્ડ્સ પરના આક્રમણના પ્રતિભાવ આપવા બેઠક મળી હતી.

જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ અને વડા પ્રધાન બોરિસ વચ્ચે ટેલિફોન પર શાબ્દિક યુદ્ધ પછી બ્રેક્ઝિટ વાટાઘાટો લાઈફ સપોર્ટ પર આવી ગઈ છે. જર્મન ચાન્સેલરે નોર્ધર્ન આયર્લેન્ડે હંમેશાં માટે ઈયુના કસ્ટ્મ્સ યુનિયન સાથે જોડાયેલા રહેવું પડશે અને તેના નિયમનોને આધીન રહેવું પડશે તેમ વડા પ્રધાનને જણાવ્યું હતું. યુકે આ રીતે વિભાજન નહિ સ્વીકારે તે સ્પષ્ટ હોવાથી સમજૂતી થવી અશક્ય જણાય છે. આયર્લેન્ડ રિપબ્લિકના વડા પ્રધાન લીઓ વરાડકર સાથે બોરિસ જ્હોન્સનની મંત્રણાઓ પણ ઘણો આધાર છે.

ઈયુ તેના તે બે દિવસના સમિટમાં યુકેને ત્રણ મહિનાના બદલે થોડાં સપ્તાહના વિલંબની ઓફર કરી શકે છે. કેટલાક સભ્યો જ્હોન્સનને ચૂંટણી યોજવા સમય આપવા ઈચ્છતા નથી કારણકે જો તેમને બહુમતી મળે તો બોરિસની સ્થિતિ મજબૂત બની જશે. ઈયુ અને યુકે આ મડાંગાંઠ ઉકેલવા ભારે પ્રયાસ કરી રહ્યા છે પરંતુ, સમિટ અગાઉ તેનું નિરાકરણ આવે તેવી શક્યતા નહિવત્ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter