લંડનઃ શનિવારે ટપાલની ડિલિવરી બંધ કરવાની રોયલ મેઇલની અપીલને સરકારે ફગાવી દીધી છે. શ્રેણીબદ્ધ હડતાળો અને પાર્સલ ડિલિવરીની માગમાં ઘટાડાના પગલે રોયલ મેઇલ દ્વારા શનિવારે ટપાલની ડિલિવરી બંધ કરવાની પરવાનગી માગવામાં આવી હતી. માર્ચ મહિનામાં રોયલ મેઇલ દ્વારા તેના સ્ટાફમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો. રોયલ મેઇલે દાવો કર્યો હતો કે 6 દિવસ પોસ્ટલ સેવાઓ માટેની આર્થિક ક્ષમતા તેનામાં નથી.
પરંતુ સરકારના બિઝનેસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, રોયલ મેઇલના ખાનગીકરણ માટેની શરત યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન સાથે સમાધાન કરવાની સરકારની કોઇ યોજના નથી. પોસ્ટલ સર્વિસે સરકાર સમક્ષ તાત્કાલિક સુધારાની માગ કરી હતી.
ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસના મિનિસ્ટર કેવિન હોલિનરેકે બિઝનેસ સિલેક્ટ કમિટીને લેખિતમાં જાણ કરી હતી કે, પોસ્ટલ સર્વિસ એક્ટ 2011 અંતર્ગત યુનિવર્સિલ પોસ્ટલ સર્વિસની લઘુત્તમ જરૂરીયાતમાં બદલાવ કરવાની સરકારની કોઇ યોજના નથી. આ જરૂરીયાતમાં 6 દિવસ ટપાલની ડિલિવરીનો પણ સમાવેશ થાય છે.
તાજેતરના સમયગાળામાં કર્મચારીઓની શ્રેણીબદ્ધ હડતાળોના કારણે રોયલ મેઇલને 1 બિલિયન પાઉન્ડ કરતાં વધુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રોયલ મેઇલ દ્વારા માર્ચના અંત સુધીમાં 10,000 કર્મચારીઓની છટણી કરી દેવાઇ છે.
ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પની કિંમતમાં વધારો થશેઃ રોયલ મેઇલે સરકારનો કાન આમળ્યો
શનિવારે પોસ્ટની ડિલિવરી બંધ કરવાની રોયલ મેઇલની અપીલ સરકારે નકારી કાઢતાં હવે રોયલ મેઇલે સરકારનો કાન આમળવાનો પ્રયાસ કરતાં જણાવ્યું છે કે ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પની કિંમતમાં નોંધપાત્ર વધારો થશે. રોયલ મેઇલના ચેરમેન કીથ વિલિયમ્સે જણાવ્યું હતું કે, સુધારા કરવાની તાતી જરૂર છે કારણ કે અમે ટપાલ ડિલિવરીનો આર્થિક બોજો હવે વધુ વહન કરવાની સ્થિતિમાં નથી. શનિવારે પોસ્ટની ડિલિવરી બંધ કર્યા બાદ પણ કંપની લોકોની અપેક્ષાઓ સારી રીતે સંતોષી શકશે.


