લંડનઃ બ્રિટનમાં નાગરિક સ્વાતંત્ર્યના સૌથી વધુ બોલકા સમર્થકોમાં એક શમી ચક્રવર્તીએ ૧૯૩૪માં સ્થાપિત લિબર્ટી હ્યુમન રાઈટ્સ ગ્રૂપના વડા તરીકે રાજીનામું આપી દીધું છે. બ્રિટિશ સરકારો સાથે સતત સંઘર્ષના ૧૨ વર્ષ પછી સંસ્થાના ડિરેક્ટરની ભૂમિકા છોડવાની તેમણે જાહેરાત કરી હતી. અનુગામીની નિયુક્તિ સુધી તેઓ આ સ્થાને કાર્યરત રહેશે.
શમી ચક્રવર્તીના વડપણ હેઠળ લિબર્ટી ગ્રૂપે ફરજિયાત ઓળખપત્ર લાદવા, પ્રી-ચાર્જ અટકાયત ૪૨ દિવસ લંબાવવા તેમજ સ્ટોપ એન્ડ સર્ચ સત્તા સહિતના મુદ્દાઓ પર લડત આપી હતી. બ્રિટનની સૌથી ખતરનાક મહિલાનું બિરુદ અપાયેલા ૪૬ વર્ષીય શમીએ તાજેતરમાં જ ખાનગી બાબતોમાં ડોકિયું કરવાના નવા કાયદા તેમજ હ્યુમન રાઈટ્સ એક્ટના સ્થાને બ્રિટિશ બિલ ઓફ રાઈટ્સ લાવવાની દરખાસ્તોને પડકારી હતી. તેમણે કહ્યું હતું કે, ‘૧૨ વર્ષ લિબર્ટીનું વડપણ સંભાળવુ‘ સૌથી ગૌરવપૂર્ણ રહ્યું છે.
લંડનમાં જન્મેલાં શમીએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં કાયદાનો અભ્યાસ કર્યાં પછી ૧૯૯૪માં તેમને બારમાં સ્થાન અપાયું હતું. તેમણે ૧૯૯૬થી ૨૦૦૧ના ગાળામાં હોમ ઓફિસમાં ધારાશાસ્ત્રી તરીકે કામગીરી બજાવી હતી. તેઓ ૨૦૦૧માં ઈન-હાઉસ કોન્સેલ તરીકે લિબર્ટીમાં જોડાયાં હતાં અને ૨૦૦૩માં તેના ડિરેક્ટર નીમાયાં હતાં. તેમને ૨૦૦૭માં CBEની નવાજેશ કરાઈ હતી. આપણે લડત આપવા બાબતે વધુ મજબૂત અને સજ્જ છીએ તેવા જ્ઞાન સાથે હું લિબર્ટીને સુરક્ષિત છોડી જઉં છું.’ તેમણે ઓક્ટોબર ૨૦૧૪માં પ્રથમ પુસ્તક ‘ઓન લિબર્ટી’ રીલિઝ કર્યું હતું.


