લંડનઃ ઈંગ્લેન્ડ પાછા ફરવા દેવા અંગે બ્રિટિશ સરકાર સામેની કાનૂની લડાઈમાં ૧૬ જુલાઈને ગુરુવારે શમીમા બેગમનો વિજય થયો હતો. કોર્ટ ઓફ અપીલે નાગરિકત્વ રદ કરવાના નિર્ણયની સામે શમીમાને યુકે પાછા ફરવાની પરવાનગી આપી હતી. બેથનલ ગ્રીનની ૨૦ વર્ષીય સ્કૂલગર્લ ૨૦૧૫માં સીરિયામાં ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાવા લંડનથી જતી રહી હતી. તત્કાલીન હોમ સેક્રેટરી સાજિદ જાવિદે સુરક્ષાના કારણોસર તેનું બ્રિટિશ નાગરિકત્વ રદ કરવાનો નિર્ણય કર્યો હતો.
હવે કોર્ટ ઓફ અપીલે જણાવ્યું છે કે શમીમાને યોગ્ય સુનાવણીનો ઈનકાર કરાયો હતો. તે કેમ્પમાંથી પોતાનો કેસ રજૂ કરી શકી ન હોવાથી સરકારે તેને કોર્ટમાં હાજર રહેવા માટે લંડન આવવા પરવાનગી આપવાની રહેશે. અગાઉ શમીમાએ દલીલ કરી હતી કે તેનું નાગરિકત્વ રદ કરવાનો સરકારનો નિર્ણય ગેરકાયદેસર હતો કારણ કે તેનાથી તે રાષ્ટ્રીયતા વિનાની થઈ જશે.
યુકે સરકારની દલીલ હતી કે શમીમાના માતાપિતા સાઉથ એશિયન વંશજ હોવાથી તે બાંગલાદેશનું નાગરિકત્વ મેળવવા હકદાર હતી. જોકે, બાંગલાદેશે શમીમા બેગમ માટે નાગરિકત્વના તમામ આધારને નકારી કાઢ્યા છે. જોકે, ફેબ્રુઆરીમાં એક ટ્રિબ્યુનલે ચૂકાદો આપ્યો હતો કે તેનું નાગરિકત્વ રદ કરવાનો નિર્ણય કાયદેસર હતો કારણ કે તે સમયે તે વંશ પ્રમાણે બાંગલાદેશની નાગરિક હતી.