લંડનઃ બ્રિટિશ સરકારે ઈંગ્લેન્ડ અને વેલ્સના કાયદાથી અસંગત જણાતા શરિયા કાયદાની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. આ ધાર્મિક કાયદાનો બ્રિટનમાં દુરુપયોગ થાય છે કે કેમ તે તપાસવા નિષ્ણાતોની પેનલ શરિયા કાયદાનો અનુભવ ધરાવતી વ્યક્તિઓની આ મુદ્દે પૂછપરછ કરશે. ચોક્કસ જૂથો, સહભાગી મૂલ્યો અથવા સામાજિક નુકસાનના સંદર્ભે ભેદભાવ દ્વારા શરિયા કાયદાનો ઉપયોગ કરાય છે કે કેમ તેના પણ ચકાસણી આ પેનલ કરશે. . આ પેનલ ૨૦૧૭માં તેની કામગીરી પૂર્ણ કરે તેવી ધારણા છે.
આ રીવ્યૂ પેનલના વડા પ્રોફેસર મોના સિદ્દિકીએ જણાવ્યું હતું કે દેશભરમાં વિવિધ સ્રોતોના વ્યાપક અભિપ્રાય અને અનુભવો પેનલ દ્વારા સાંભળવામાં આવે તે જરૂરી છે. આથી શરિયા કાઉન્સિલો અને જેમણે આવી કાઉન્સિલોનો ઉપયોગ કર્યો હોય તેવા લોકોને પુરાવા આપવા બોલાવાશે. ઈસ્લામિક અને ઈન્ટર-રીલિજિયસ અભ્યાસોના નિષ્ણાત સિદ્દિકીની પેનલમાં અનુભવી ફેમિલી લો બેરિસ્ટર સેમ મુમતાઝ, નિવૃત્ત હાઈ કોર્ટ જજ સર માર્ક હેડલી અને ફેમિલી લો ધારાશાસ્ત્રી એન મેરી હચિન્સનનો સમાવેશ થાય છે. આ પેનલને બે ધાર્મિક અને આધ્યાત્મિક વિદ્વાનો-ઈમામ સૈયદ અલી અબ્બાસ રાઝાવી અને ઈમામ કારી અસીમની સલાહનો લાભ મળશે.
બ્રિટનના વડા પ્રધાન પદના ઉમેદવાર અને હોમ સેક્રેટરી થેરેસા મેએ સરકારની કટ્ટરવાદ વિરોધી રણનીતિના ભાગરુપે શરિયા કાયદાના અમલની સ્વતંત્ર સમીક્ષા કરાવવાની પ્રતિબદ્ધતા અગાઉ વ્યક્ત કરી હતી.

