શશી થરુરે અંગ્રેજોને કહ્યું, તમે ભારતને લૂંટ્યું છે

Tuesday 28th July 2015 12:03 EDT
 
 

લંડનઃ કોંગ્રેસના નેતા અને પૂર્વ યુએન રાજદ્વારી શશી થરુરે લંડનમાં ૨૦૦ વર્ષ જૂની વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ડિબેટ સોસાયટી ઓક્સફર્ડ યુનિયન સમક્ષ પ્રવચન દરમિયાન ભારત પર અંગ્રેજોના શાસનની ભારે ધૂળ કાઢી હતી. બ્રિટને બારત અને તેના શાસન હેઠળના અન્ય સંસ્થાનોને ભારે વળતર ચુકવવું જોઈએ તેવી માગણી પણ થરુરે કરી હતી.તેમણે કહ્યું હતું કે બ્રિટનના કારણે જ ભારતની અવનતિ થઈ હતી. બ્રિટિશરાજ ભારતીયો માટે લૂંટ ,હત્યાઓ અને ખાનાખરાબીનો જ ઇતિહાસ રહ્યો છે. તેમણે જલિયાવાલાં હત્યાકાંડ, વિશ્વ યુદ્ધોમાં ભારત પાસેથી ઉઘરાવાયેલાં કરોડો પાઉન્ડ અને શસ્ત્રો, ભારતીય સૈનિકોની ભારે ખુવારીની પણ વાત કરી હતી. બ્રિટિશરો ભારત આવ્યા તે સમયે વિશ્વ અર્થતંત્રમાં ભારતીય હિસ્સેદારી ૨૩ ટકા હતી અને અંગ્રેજો ભારતથી પરત થયા ત્યારે આ હિસ્સેદારી માત્ર ૪ ટકા રહી ગઇ હતી. અંગ્રેજો બ્રિટનને લાભ પહોંચાડવા માટે જ ભારત આવ્યા હતા. બ્રિટનનું ઔદ્યૌગિકીકરણ ભારતના શોષણ દ્વારા થયું છે.

થરુરે કહ્યું હતું કે,‘૧૯મી સદીના અંત સુધી ભારત બ્રિટનની સૌથી મોટી કામધેનુ હતી. બ્રિટિશ સિવિલ સર્વન્ટ્સ માટે સૌથી વધુ વેતન સાથેનો રોજગાર પણ ભારત આપતું હતું. અમે તો પોતાના પર અત્યાચાર ગુજારવા માટે પણ તમને નાણા આપ્યા છે. ભારતના વણકર સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત હતા. તમે અમારા વણકરોને ત્યાં તોડફોડ કરી, તેમના પર ટેક્સ લાદયા, કાચો માલ અમારે ત્યાંથી લઇ ગયા અને પોતાને ત્યાં કપડા બનાવીને સમગ્ર વિશ્વમાં વેચ્યા. ભારતીય વીવર (વણકર) બેગર (ભિખારી) બની ગયા. ભારત એક્સપોર્ટરથી ઇમ્પોર્ટર બની ગયું. ભારતનો ૨૭ ટકા વિશ્વવ્યાપાર ઘટીને ૨ ટકાથી પણ ઓછો થઈ ગયો હતો.’

થરુરે આક્રોશ સાથે કહ્યું હતું કે, બ્રિટને પોતાના શબ્દકોશ અને આદતમાં પણ 'લૂંટ' શબ્દ સામેલ કર્યો હતો. લોર્ડ ક્લાઇવ તો વહીવટી કાવાદાવા લઇને ભારતને લૂંટવા આવ્યા હતા. જલિયાવાલા બાગમાં હજારો લોકોની હત્યા કરાઈ હતી. બ્રિટિશરો જેટલાં યુદ્ધ લડ્યાં ત્યારે તેમના લશ્કરમાં ૧/૬ સૈનિકો ભારતીયો હતા. ૫૪ હજાર ભારતીયો માર્યા ગયા. આપણી પાસેથી પણ ૧૦ કરોડ પાઉન્ડ જેટલો ટેક્સ વસૂલ કરાયો હતો. ભારતે બીજા વિશ્વયુદ્ધમાં ૧.૨૫ બિલિયન પાઉન્ડ, સાત કરોડ એમ્યુનિશન્સ, એક લાખ રાઇફલ અને મશીનગન્સ પૂરી પાડી હતી. અંગ્રેજોએ ભારતના નાણા થકી સ્કોટલેન્ડની ગરીબી ઘટાડી દીધી.

ભારતને અપાતી મોટી મદદના દાવાનો પર્દાફાશ કરતા તેમણે કહ્યું હતું કે બ્રિટન તરફથી ભારતને જીડીપીના ૦.૪ ટકા મળે છે. તેનાથી વધારે ભારત સરકાર ફર્ટિલાઇઝર સબસિડી આપી દે છે. જે અમે તમને આપ્યું તે તમે પાછું પણ નથી આપી શકતા. કાંઇ નહીં તો કોહીનુર હીરો પરત કરો. અમે તમારી પાસેથી આઝાદી છીનવીને લીધી છે. વળતર આપવાને બદલે જરૂરી છે કે બ્રિટન પ્રાયશ્ચિત કરે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter