શહેરોમાં કાર કરતાં સાઈકલથી પહોંચવું વધુ સહેલું

ગત વર્ષે ડ્રાઈવર્સ ૧૧૫ કલાક ટ્રાફિકમાં અટવાયા

Thursday 12th March 2020 05:15 EDT
 
 

લંડનઃ યુકેમાં ટ્રાફિક જામના કારણે થતાં નુકસાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે સરેરાશ ડ્રાઈવરને ૮૯૪ પાઉન્ડના નુકસાન સાથે ૧૧૫ કલાક ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડ્યું હતું. ટ્રાફિક જામના કારણે યુકેના અર્થતંત્રને સમગ્રતયા ૬.૯ બિલિયન પાઉન્ડનું નુકસાન થયું હતું. યુકેમાં લંડન, બેલફાસ્ટ, બ્રિસ્ટોલ, એડિનબરા, બર્મિંગહામ અને હલ શહેરોમાં ટ્રાફિક જામની સૌથી ખરાબ પરિસ્થિતિ જોવાં મળે છે.

યુકેના મોટા ભાગના ભરચક માર્ગો સાથેના શહેરો માટે એમ કહેવાય છે કે ડ્રાઈવિંગ કરતાં સાઈકલિંગ કરીને ઈચ્છિત સ્થળોએ પહોંચી શકાય છે. સતત ટ્રાફિક જામ રહેતો હોવાથી સરેરાશ ૧૦થી ૧૬ માઈલની ઝડપે જ વાહન હંકારી શકાય છે. ટ્રાન્સપોર્ટ ડેટા ફર્મ Inrix દ્વારા વાર્ષિક ટ્રાફિક સર્વેમાં જાણવા મળ્યું છે કે ગયા વર્ષે વાહનચાલકોને સરેરાશ ૧૧૫ કલાક ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડ્યું હતું. તેમને વ્યક્તિગત ૮૯૪ પાઉન્ડ તેમજ યુકેના અર્થતંત્રને ૬.૯ બિલિયન પાઉન્ડનું નુકસાન થયું હતું. નુકસાનની ગણતરીમાં વર્કરના સમયના સરેરાશ મૂલ્ય તેમજ બિઝનેસીસની પ્રતિ કલાક સરેરાશ ઉત્પાદકતાને ધ્યાનમાં લેવાય છે.

સૌથી વધુ ભરચક ૧૦ શહેરોમાંથી આઠ શહેર, લંડન, બેલફાસ્ટ, બ્રિસ્ટોલ, એડિનબરા, બર્મિંગહામ, સાઉધમ્પ્ટન, નોટિંગહામ અને હલમાં વાહન હંકારીને જવાં કરતાં સાઈકલથી પહોંચવું ઝડપી ગણાયું હતું. લંડન અને એડિનબરામાં ડ્રાઈવિંગ કરતા ઝડપી પબ્લિક ટ્રાન્સપોર્ટને સુધારવાની જરૂર હોવાનું પણ જણાવાયું છે. દર વર્ષે ટ્રાફિક જામના કારણે વાહનચાલકો, બિઝનેસીસ અને અર્થતંત્રને બિલિયન્સ પાઉન્ડનું નુકસાન થાય છે. યુકેમાં સેન્ટ્રલ લંડનના એજવેર રોડ અને ઓલ્ડ સ્ટ્રીટ વચ્ચેના A404 અને A501 માર્ગ પર સૌથી વધુ ટ્રાફિક રહ્યો હતો.

યુકેમાં રાજધાની લંડનમાં ટ્રાફિક સૌથી ખરાબ છે. ગયા વર્ષે વાહનચાલકોએ સરેરાશ ૧૪૯ કલાક ટ્રાફિક જામ સહન કરવો પડ્યો હતો અને વાહનની સરેરાશ ઝડપ કલાકના માત્ર ૧૦ માઈલ રહી હતી. આના પરિણામે, શહેરના અર્થતંત્રને અંદાજે ૪.૯ બિલિયન પાઉન્ડનું નુકસાન થયું હતું. સમગ્ર વિશ્વમાં લંડન આઠમા ક્રમનું અને યુરોપમાં ત્રીજા ક્રમનું સૌથી ભરચક શહેર છે. વિશ્વમાં કોલંબિયાના રાજધાની બોગોટા ટ્રાફિક સંદર્ભે સૌથી ભરચક શહેર છે જ્યાં, વાહનચાલકોએ વર્ષમાં સરેરાશ ૧૯૧ કલાક અથવા લગભગ આઠ દિવસ ટ્રાફિકમાં રહેવું પડ્યું હતું. બોગોટાના અંદરના વિસ્તારોમાં વાહનની સરેરાશ ઝડપ કલાકના માત્ર ૯ માઈલ રહી હતી. યુરોપમાં રોમ અને પેરિસ સૌથી ભરચક ટ્રાફિકના શહેરો છે જ્યાં, વાહનચાલકોએ અનુક્રમે ૧૬૬ અને ૧૬૫ કલાક ટ્રાફક જામનો સામનો કરવો પડ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter