લંડનઃ વિશ્વભરમાં વાયુ પ્રદુષણમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સેન્ટર ફોર સિટિઝ ચેરિટીના રિપોર્ટ અનુસાર બ્રિટિશ શહેરોમાં આશરે ૨૦ ટકા મોત વાયુ પ્રદુષણ સાથે સંકળાયેલા છે. શહેરી રહેવાસીઓ કાર અકસ્માત કરતાં એર પોલ્યુશનના કારણે મરવાનું વધુ જોખમ ધરાવે છે. સૌથી વધુ પોલ્યુશન ધરાવતા શહેરોમાં લંડન, લૂટન અને સ્લાઉ જેવા શહેરો આગળ છે જ્યારે પોલ્યુશન સંબંધિત મૃત્યુમાં અબેરડીન ૩૩માંથી એક વ્યક્તિના મોત સાથે સોથી નીચે રહેલું છે.
ચેરિટી સેન્ટર ફોર સિટિઝના જાહેર રિપોર્ટ અનુસાર બ્રિટિશ શહેરો અને નગરોમાં ૧૯માંથી એક કરતાં વધુ મોત એર પોલ્યુશન સાથે સંકળાયા છે. રિપોર્ટ જણાવે છે કે કાર અરસ્માતમાં મૃત્યુની સરખામણીએ લાંબા સમય સુધી એર પોલ્યુશનનો સામનો કરનારા બ્રિટિશ શહેરી નિવાસીઓ માટે મૃત્યુ પામવાનું જોખમ ૨૫ ગણુ વધુ રહે છે. દક્ષિણના વિસ્તારોમાં જીવલેણ ધૂળ, રાખ અને કાળી મેશના રજકણોનું ઊંચુ સ્તર જોવાં મળે છે.
એર પોલ્યુશનના અતિ જોખમી વિસ્તારોમાં લંડન, લૂટન અને સ્લાઉ મુખ્ય છે. આ વિસ્તારોમાં ૧૬માંથી એક વ્યક્તિ વાયુ પ્રદુષણના કારણે મોતનો શિકાર બને છે. ડન્ડી, ગ્લાસગો, બ્લેકપૂલ અને એડિનબરામાં પણ વાયુ પ્રદુષણ ઊંચુ છે જ્યારે, અબેરડીન એર પોલ્યુશનથી મૃત્યુના મામલે ૩૩માંથી એક વ્યક્તિના મોત સાથે સૌથી નીચે રહ્યું છે.
બ્રિટિશ લંગ ફાઉન્ડેશનના ઝેક બોન્ડ કહે છે કે,‘ઝેરીલી હવા શ્વાસમાં લેવી દરેક માટે ખતરનાક છે અને તે ફેફસાના રોગ, સ્ટ્રોક અને કેન્સર સહિત આરોગ્યની અનેક ખરાબ પરિસ્તિતિ તરફ દોરી જાય છે.’ સેન્ટર ફોર સિટિઝ ચેરિટીના એન્ડ્રયુ કાર્ટરે પ્રદુષણ મુદ્દે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની કડક માર્ગદર્શિકાને અનુસરવા અનુરોધ કર્યો હતો.


