શાંતિથી રહેવું હોય તો યુદ્ધ માટે તૈયાર રહોઃ રિશી સુનાક

હોર્મુઝની ખાડી નહીં ખુલે તો તેના વિપરિત પરિણામ આવશેઃ પૂર્વ વડાપ્રધાન

Tuesday 17th March 2026 11:53 EDT
 
 

લંડનઃ યુકેના પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, મીડલ ઇસ્ટમાં સર્જાયેલી કટોકટીએ આ દાયકાનો ચોથો પૂરવઠાનો આંચકો આપ્યો છે. સૌથી પહેલાં કોરોના મહામારીના કારણે પૂરવઠો અવરોધાયો, ત્યારબાદ રશિયા અને યુક્રેન યુદ્ધ, ચીન દ્વારા રેર અર્થ મિનરલ્સ પર મૂકાયેલા નિયંત્રણો અને હવે ઇરાન યુદ્ધે પૂરવઠાને ગંભીર અસર પહોંચાડી છે.

એક આર્ટિકલમાં સુનાકે જણાવ્યું હતું કે, યુકેની પાસે વ્યૂહાત્મક ગેસ અનામતો ઘણી મર્યાદિત છે. તેથી આપણે પુરતી તૈયારી કરવી જોઇએ. એવી ધારણા હતી કે ઇરાન હોર્મુઝની ખાડી બંધ નહીં કરે કારણ કે તેની આવકનો મુખ્ય સ્ત્રોત જ આ ખાડી છે પરંતુ ઇરાની શાસકોએ આ ચોંકાવનારું પગલું લીધું છે.

સુનાકે જણાવ્યું હતું કે, ઇરાની સત્તાવાળા વિશ્વના અર્થતંત્રના ગળા પર છરો મૂકી રહ્યાં છે જેના કારણે આ યુદ્ધ અત્યંત ખર્ચાળ બની રહ્યું છે. જો અમેરિકા હોર્મુઝની ખાડી ખોલવામાં નિષ્ફળ જશે તો પરિણામો ઘણા ખરાબ રહેશે. વિશ્વએ હંમેશા આંતરરાષ્ટ્રીય જળમાર્ગો ખુલ્લા રાખવા જોઇએ. 19મી સદીમાં રોયલ નેવીએ એમ જ કર્યું હતું અને 1945થી અમેરિકા પણ તેમજ કરતો આવ્યો છે. હું વડાપ્રધાન હતો ત્યારે હૂથી પર હુમલામાં આપણે અમેરિકા સાથે જોડાયા હતા કારણ કે વડાપ્રધાન તરીકે મારે જળમાર્ગની આઝાદી જાળવી રાખવાની હતી.

સુનાકે જણાવ્યું હતું કે, જો તમારે શાંતિ જોઇએ છે તો યુદ્ધ માટે તૈયારી રહો. આપણે શસ્ત્ર ઉત્પાદનમાં ઝડપ લાવવી જોઇએ. પેટ્રિયટ ઇન્ટરસેપ્ટરનું ઉત્પાદન ચાર ગણુ કરવામાં લોકહીડ માર્ટિનને 7 વર્ષ લાગી જશે. જો આપણે પશ્ચિમનું પતન જોવા નથી ઇચ્છતા તો આપણે યુદ્ધ માટે તૈયાર રહેવું જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter