લંડનઃ યુકેમાં શાકભાજી અને ફળને ચૂંટવા માટે રોમાનિયાથી ૧૫૦ સ્ત્રી અને પુરુષ ખેતમજૂરનો પ્રથમ કાફલો સ્ટાનસ્ટેડ વિમાનીમથકે ગુરુવારે આવી પહોંચ્યો હતો. આ પિકર્સને ઈસ્ટ એન્ગલિઆના ૭૦૦૦ હેક્ટર ફાર્મમાં બસીસ દ્વારા લઈ જવાયા હતા. G's Fresh ફૂડ કંપનીએ રોમાનિયન પિકર્સને લાવવા ટાઈટન એરવેઝની ફ્લાઈટને ૪૦,૦૦૦ પાઉન્ડની ચૂકવણી કરી હતી. હાલ યુકેને ૮૦,૦૦૦ ખેતમજૂરની ખાસ જરૂર છે જમેના વિના ખેતરોમાં અનાજ અને ફળફળાદિ સડી જવાની ચેતવણી અપાઈ છે.
યુકેના ખેતરોમાં ઉભા પાકને સડતો બચાવવા તૈયાર કરાયેલા બ્રિટિશ લેન્ડ આર્મીની મદદે રોમાનિયાથી ફ્રૂટ અને વેજિટેબલ પિકર્સને બોલાવાયા છે. ગુરુવારે સ્ટાનસ્ટેડ વિમાનીમથકે ૧૫૦ સ્ત્રી-પુરુષ પિકર્સ આવી પહોંચ્યાં હતાં. ફેસ માસ્ક અને ગ્લોવ્ઝ સાથે તેઓને ઈસ્ટ એન્ગલિઆના ૭૦૦૦ હેક્ટર ફાર્મમાં લઈ જવાયા હતા.
શાકભાજી અને ફળો વેળાસર ચૂંટવા માટે ૮૦,૦૦૦ કામદારોની જરૂર રહે છે. કોવિડ-૧૯ કટોકટીના આરંભ પછી બેરોજગારી બેનિફિટ્સના નવા ૪૫૦,૦૦૦ દાવા રજૂ કરાયા છે ત્યારે સરકારે લેન્ડ આર્મી યોજના જાહેર કરી હતી જેમાં ૩૦,૦૦૦માંથી માત્ર ૪૦૦૦ લોકો ઈન્ટર્વ્યૂ માટે આવ્યા હતા. ધ કન્ટ્રી લેન્ડ એન્ડ બિઝનેસ એસોસિયેશનના જણાવ્યા અનુસાર ૩૨,૦૦૦ લોકોએ વોલન્ટીઅર્સ તરીકે નોંધણી કરાવી છે.
તાજેતરના વર્ષોમાં બ્રિટિશ ફાર્મ્સ ઉનાળુ પાક માટે પૂર્વ યુરોપીય દેશોમાંથી ૯૦,૦૦૦ પિકર્સ પર આધાર રાખે છે. જોકે, આ વર્ષે કોરોના મહામારીના કારણે મોટા ભાગના યુરોપમાં લોકડાઉનની સ્થિતિ છે. પ્રવાસ પર નિયંત્રણ છે અને ખેતરોમાં પાક બગડી જવાનો પણ ભય છે. G's Fresh ફૂડ કંપનીએ જણાવ્યું હતું કે તેમણે ૫૦૦ બ્રિટિશરોને નોકરી ઓફર કરી હતી અને ૧૨૫૦ સીઝનલ વર્કફોર્સના ૬૦ ટકા દેશમાંથી જ મળી રહેવાની આશા હતી. રોમાનિયાથી બોલાવાયેલા વર્કર્સ અન્ન સુરક્ષાના જાણકાર છે અને તેઓ બ્રિટિશરોને તાલીમ પણ આપશે. આ ૨૫થી વધુ વયના વર્કર્સને પ્રતિ કલાક ૮.૭૨ પાઉન્ડની ચૂકવણી કરાશે. કાર્યક્ષમ અને અનુભવી પિકર્સ પ્રતિ કલાક ૧૫ પાઉન્ડ પણ મેળવી શકશે.