શાળાઓને અલવિદાઃ વિદ્યાર્થીઓ મિત્રોને કદાચ સપ્ટેમ્બર સુધી નહિ મળી શકે

મે અને જૂનમાં લેવાનારી GCSE અને A-લેવલની પરીક્ષાઓ પણ રદઃ ‘કી વર્કર્સ’ની યાદીમાં NHS વર્કર્સ, પોલીસ અધિકારીઓ અને સુપરમાર્કેટ્સ ડિલિવરી ડ્રાઈવર્સ, પાદરીઓ, ફાઈનાન્સિયલ સર્વિસીસના કામદારો, કચરાનો નિકાલ કરનારા, રોડ વર્કર્સ, કોલ સેન્ટર્સ અને આઈટી સ્ટાફ સહિતનો સમાવેશ

Wednesday 25th March 2020 01:30 EDT
 
 

લંડનઃ આખરે યુકેમાં શાળાઓ પણ ૨૦ માર્ચથી બંધ કરી દેવાઈ છે. સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં શાળાઓ બંધ કરી દેવાયા પછી ઈંગ્લેન્ડમાં પણ આ બાબતે નિર્ણય લેવાયો હતો. વિદ્યાર્થીઓએ તેમના ક્લાસમેટ્સને હાથ હલાવી અલવિદા કરી હતી. કોરોના વાઈરસની કટોકટીના કારણે સરકારી, નર્સરીઝ અને ખાનગી શાળાઓ કદાચ સપ્ટેમ્બર સુધી બંધ રખાવાની શક્યતા છે. જોકે, કેટલાક ચાવીરુપ વર્કર્સના બાળકો શાળાએ જઈ શકશે. ઘણા વિદ્યાર્થીઓને તેમની નિયમિત શાળા અથવા કોલેજના બદલે માળખારુપ શાળામાં મોકલાશે. અન્ય મહત્ત્વનો નિર્ણય મે અને જૂનમાં લેવાનારી GCSE અને A-લેવલની પરીક્ષાઓ પણ રદ કરી દેવાનો છે.

આખરે યુકેમાં કોરોના વાઈરસની કટોકટીના કારણે શાળાઓ બંધ કરવાનો આદેશ જાહેર કરાયો હતો. શાળાઓ કદાચ અચોક્કસ મુદત અથવા સપ્ટેમ્બર સુધી બંધ રખાવાની શક્યતા છે. વિદ્યાર્થીઓએ ક્લાસમેટ્સ અને શિક્ષકોને લાંબા સમય માટે અલવિદા કરી હતી. મહત્ત્વની બાબત એ છે કે મે અને જૂનમાં લેવાનારી GCSE અને A-લેવલની પરીક્ષાઓ પણ રદ કરી દેવાઈ છે. જોકે, પરીક્ષા રદ કરી દેવાતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક દેખાવનું મૂલ્યાંકન કેવી રીતે કરાશે તેની સ્પષ્ટતા કરી નથી.

બીજી તરફ, સરકારે કોરોના મહામારી દરમિયાન કામગીરી આવશ્યક હોય તેવા ‘કી વર્કર્સ’ની યાદીમાં NHS વર્કર્સ, પોલીસ અધિકારીઓ અને સુપરમાર્કેટ્સ ડિલિવરી ડ્રાઈવર્સ, પાદરીઓ, ફાઈનાન્સિયલ સર્વિસીસના કામદારો, કચરાનો નિકાલ કરનારા, રોડ વર્કર્સ, કોલ સેન્ટર્સ અને આઈટી સ્ટાફ સહિતનો સમાવેશ કરાયો છે. વિચિત્રતા એ છે કે કામદારોએ તેમની ભૂમિકા ચાવીરુપ અથવા આવશ્યક છે કે નહિ તેની પૂછપરછ તેમના માલિકોને કરવાની રહેશે. આવશ્યક સેવાના કર્મચારીઓના બાળકો શાળાએ જઈ શકશે. શિક્ષકોએ આવા બાળકોની સંભાળ માટે ઈસ્ટરની રજાઓ અને વીકએન્ડ્સમાં પણ કામ કરવાનું થશે.

યુકેના આઠ મિલિયન બાળકોની સંભાળ શાળાઓ અને નર્સરીમાં રખાય છે ત્યારે ૩૩ ટકા અથવા વધુ પેરન્ટ્સે તેઓ આવશ્યક સેવાના દરજ્જામાં આવતા હોવાનો દાવો કરેલો છે. જોકે, શાળઓએ પેરન્ટ્સ પાસે તેમની નોકરીઓ વિશે ફોર્મ્સ ભરાવવાના શરૂ કર્યા છે જેથી તેમના દરજ્જાની ખરી કરી શકાય. સરકારની આવશ્યક સેવા કર્મચારીની યાદી અનુસાર બહુમતી વિદ્યાર્થીઓ શાળામાં હાજર રહી શકે છે, જે કોરોના વાઈરસ કટોકટીના કારણે શક્ય નહિ રહે. શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે શાળાઓમાં કેટલી બેઠકો જોઈશે તેનો અંદાજ નથી કારણકે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. બહુમતી શિક્ષણસંસ્થાઓ ખુલી રહી શકે છે પરંતુ, નાની ગ્રામ્ય શાળાઓ માટે તો તે અશક્ય જ હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter