લંડનઃ GCSE અને A લેવલમાં ગુજરાતી, પંજાબી સહિત કેટલીક કોમ્યુનિટી અને લઘુમતી ભાષાઓની પરીક્ષાઓ નહિ લેવાની યુકેના એક્ઝામ બોર્ડ્સની ચેતવણી છતાં સરકારે હવે સ્પષ્ટ કર્યું છે કે શાળાઓમાં આમાંની કેટલીક ભાષાનો અભ્યાસ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધી ચાલુ રખાશે. એક્ઝામ બોર્ડ્સ દ્વારા મુખ્યત્વે ભારતીય ભાષાઓ સહિત લઘુમતી ભાષાઓને અભ્યાસક્રમમાંથી પડતી મૂકવાની યોજના જાહેર કર્યા પછી વિદ્વાનો અને સ્થાનિક એશિયન સાંસદોએ વિરોધ દર્શાવ્યો હતો.
શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું હતું કે લઘુમતી ભાષા સહિત બીજી ભાષા શીખવાના ઘણાં લાભ છે અને સરકાર આ ભાષાઓ શીખવવાનું ચાલુ રાખવા તૈયાર છે. યુકે રીફોર્મ મિનિસ્ટર નિક ગિબે જણાવ્યું હતું કે,‘શૈક્ષણિક અભ્યાસક્રમના ભાગરુપે તમામ વિદ્યાર્થીને વિદેશી ભાષાના અભ્યાસની તક મળવી જોઈએ. બ્રિટન જેવા દેશમાં ફ્રેન્ચ, જર્મન અને સ્પેનિશમાં જ નહિ, ગુજરાતી, પંજાબી, બંગાળી, પોલીશ અને તુર્કીશ ભાષામાં પણ ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મળવું જરૂરી છે. ચોક્કસ ભાષામાંની જોગવાઈમાં ખાઈ પૂરવા સરકાર આવશ્યક જણાશે ત્યાં ઓછામાં ઓછાં સપ્ટેમ્બર ૨૦૧૮ સુધી પ્રવર્તમાન ક્વોલિફિકેશનને ચાલુ રાખવાનું સંસ્થાઓ માટે ફરજિયાત બનાવશે.’
આ વર્ષના આરંભે એક્ઝામ બોર્ડ્સે લઘુમતી ભાષાઓને અભ્યાસક્રમમાંથી પડતી મૂકવાની યોજના જાહેર કરી હતી. લોકોના વિરોધના પગલે સરકારે ઉકેલ શોધવા એક્ઝામ બોર્ડ્સ ઉપરાંત, એમ્બેસીઝ, કોમ્યુનિટીઓ તેમ જ સપ્લીમેન્ટરી સ્કૂલોના પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજી હતી. ઈલિંગ, સાઉથોલના પંજાબી સાંસદ વિરેન્દ્ર શર્માએ શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એજ્યુકેશન, ટ્રિસ્ટ્રામ હન્ટને પત્ર લખ્યો હતો. આના પગલે હન્ટે હાઉસ ઓફ કોમન્સમાં પ્રશ્ન ઉઠાવી તેનો ઉકેલ લાવવા એજ્યુકેશન સેક્રેટરીને અનુરોધ કર્યો હતો.