લંડનઃ સ્કૂલોમાં જે લોકો બાળ યૌનશોષણ કરતાં હોય છે તેઓ કુકર્મી હોય છે અને તેમની વર્તણુંક અવારનવાર ખુલ્લાં રહસ્ય સમાન હોય છે તેમ ચાઈલ્ડ સેક્સ્યુઅલ અબ્યુઝ ઈન ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સની ઈન્ડિપેન્ડન્ટ ઈન્ક્વાયરીમાં જણાયું હતું. ૬૯૧ પીડિતોની માહિતી પર થયેલા સંશોધનમાં એમ પણ જણાયું કે સ્કૂલોમાં જે બાળ યૌનશોષણનો ભોગ બન્યા હતા તેમાંના ૪૨ ટકા તે જ સ્કૂલના અન્ય પીડિતો વિશે માહિતાગાર હતા.
દુષ્કર્મીઓમાં મોટાભાગના સ્કૂલના પુરુષ શિક્ષકો અને અન્ય શૈક્ષણિક સ્ટાફના હતા. તેઓ યૌનશોષણ માટે અવારનવાર બાળકોને, સ્ટાફને અને પેરન્ટ્સને લલચાવતા અને ભોળવતા હતા. સ્ટાફ અને પેરન્ટ્સમાં તેમની સારી છાપ રહેતી અથવા વિદ્યાર્થીઓ તેમને શાંત સ્વભાવના માનતા હતા.
૧૯૬૦ના દાયકામાં પ્રાઈમરી સ્કૂલમાં શોષણના પોતાના અનુભવ વિશે ૬૮ વર્ષીય થિયેટર ડિરેક્ટર પેટ્રિક સેનફર્ડે ઓટોબાયોગ્રાફિકલ પ્લે અને ફિલ્મ ‘ગ્રૂમ્ડ’ બનાવી હતી. તેમણે પોતાના અનુભવો વર્ણવ્યા હતા. તેમણે ‘ગાર્ડિયન’ને જણાવ્યું હતું કે તેઓ નવ વર્ષના હતા ત્યારે શોષણ શરૂ થયું હતું. ટીચર તેમને હંમેશા ક્લાસમાં પહેલો નંબર આપીને તેમનું ગ્રૂમીંગ કરતા અને તેમની માતાને કહેતા કે તેમનો પુત્ર ખૂબ હોંશિયાર છે. બ્રેક ટાઈમ અને સ્કૂલ છૂટી ગયા પછી શોષણ વધી જતું.
ઈન્ક્વાયરીના ટ્રુથ પ્રોજેક્ટની માહિતી મુજબ પીડિતોમાં ૫૫ ટકા પુરુષો હતા. ઈન્ડિપેન્ડન્ટ અને સ્પેશિયલ સ્કૂલ્સમાં શોષણનો ભોગ બનનારા પુરુષોની ટકાવારી વધીને અનુક્રમે ૭૬ અને ૭૮ ટકા થઈ હતી. જ્યારે સરકારી સ્કૂલોમાં આ સંખ્યા ઘટીને ૪૫ ટકા થઈ હતી. ૨૯ ટકા જેટલા કિસ્સા ઈન્ડિપેન્ડન્ટ સ્કૂલોમાંથી મળ્યા હતા.