શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી માટે નવા અને આકરા નિયમો અમલમાં

શાળાઓ માટે ચોક્કસ લક્ષ્યાંક નક્કી કરાશે, નિયમિત સમીક્ષા હાથ ધરાશે

Tuesday 11th August 2026 11:01 EDT
 
 

લંડનઃ ઇંગ્લેન્ડની તમામ સરકારી શાળાઓ માટે આગામી સપ્ટેમ્બર મહિનાથી વિદ્યાર્થીની હાજરી સંબંધિત નવા અને કડક નિયમો અમલી બનાવવામાં આવશે. પ્રત્યેક શાળા માટે સ્થાનિક પરિસ્થિતિ અને પડકારોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની હાજરી સુધારવા માટેના ચોક્કસ લક્ષ્યાંક નક્કી કરાશે અને નિયમિત નિરીક્ષણ કરાશે.

શાળાઓ હવે હાજરી ઘટવાની શરૂઆત થતાં જ પારખી લેશે અને વિદ્યાર્થીઓને નિયમિત હાજરી  માટે પ્રેરિત કરવા ઝડપી પગલાં લઈ શકશે. અઠવાડિયાના અંતમાં શુક્રવારે સૌથી વધુ ગેરહાજરી નોંધાતી હોવાનું સામે આવ્યું છે. આથી શાળાઓને શુક્રવારે વિશેષ પ્રવૃત્તિઓ અને ક્લબ યોજીને વિદ્યાર્થીઓને આખો સપ્તાહ હાજર રહેવા માટે પ્રોત્સાહિત કરવાની સલાહ આપવામાં આવી છે.

શિક્ષણ વિભાગના પ્રતિનિધિ પોલ વોગના જણાવ્યા અનુસાર, છેલ્લા વર્ષમાં હાજરી સુધારવાની પ્રક્રિયા ધીમી પડી હોવાથી આ વધુ વ્યાપક અને સ્માર્ટ અભિગમ અપનાવવામાં આવ્યો છે.

બીજી તરફ, શિક્ષણ સંઘો અને શાળા સંચાલકો અનુસાર બીમારી, માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો, ગરીબી અને વિશેષ શૈક્ષણિક જરૂરિયાતોને લીધે પણ વિદ્યાર્થીની હાજરી પર અસર પડે છે. તેથી આ સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ માત્ર સરકારી લક્ષ્યાંકોથી જ નહીં પરંતુ ઘરમાંથી અને સામાજિક સ્તરેથી પણ લાવવો જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter