લંડનઃ ડ્યુસબરી, યોર્કશાયરના ૧૬ વર્ષીય વિદ્યાર્થી મોહમ્મદ અલીએ તેણે તૈયાર કરેલી પ્રાઈસ કમ્પેરિઝન વેબસાઈટ માટે અમેરિકન ઈન્વેસ્ટર્સની પાંચ મિલિયન પાઉન્ડની ઓફર ફગાવી દીધી હતી. અલીએ માત્ર ૧૨ વર્ષની વયે પોતાની પ્રથમ કંપની લોન્ચ કરી હતી. તેણે પ્રોજેક્ટ ૨૦૦૬ વીડિઓ ગેમ અને સ્ટોક માર્કેટ માટે ફાઈનાન્સિયલ એપ્લિકેશન તૈયાર કર્યા પછી ૪૦,૦૦૦ પાઉન્ડથી વધુની કમાણી કરી છે. નવી વેબસાઈટ ૨૮ જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવી હતી.
ટેકનોલોજી પાછળ પાગલ તરુણ અલી તેના ૬૦ વર્ષીય બિઝનેસ પાર્ટનર ક્રિસ થોર્પ સાથે મળી પ્રાઈસ કમ્પેરિઝન સાઈટ લોન્ચ કરવા સજ્જ હતો ત્યારે તેના બેડરુમમાં જ બેસીને તૈયાર કરેલી વેબસાઈટ માટે રોકાણની ચર્ચા કરવા લંડનમાં અમેરિકન ગ્રૂપ સાથે ડિસેમ્બરમાં મુલાકાત થઈ હતી. આ વખતે તેમણે રોકાણના બદલે પાંચ મિલિયન પાઉન્ડથી વધુ રકમમાં વેબસાઈટ ખરીદવાની ઓફર કરી હતી. જોકે, અલીએ ઓફર નકારી કાઢી હતી. તેણે કહ્યું હતુ ંકે તેઓ ગ્લોબલ ડેટા કંપનીમાંથી આવ્યા હતા અને વેબસાઈટ સાથે સંકળાયેલી તમામ ટેકનોલોજીનું સર્જન મેં ખુદ કર્યું હોવાનું તેઓ સમજી શક્યા ન હતા. મારી ટેકનોલોજી અને કન્સેપ્ટ મિલિયન્સ પાઉન્ડનો છે. અલી પોતાની વેબસાઈટને ઘરઘરમાં જાણીતી બનાવવા ઈચ્છે છે.
અલીએ દાવો કર્યો હતો કે તેણે વિકસાવેલા નવા અલ્ગોરિધમ સામાન્યપણે ઈન્સ્યુરન્સ સાઈટ્સ પર જોવાં મળતાં પૂર્વનિર્ધારિત ક્વોટ્સના બદલે વાસ્તવિક ક્વોટ્સ પૂરા પાડે છે. મહત્ત્વની બાબત એ છે કે આ ક્ષેત્રમાં તેના કોઈ હરીફ નથી અને વાસ્તવમાં આ નાણા બચાવનાર એક્સપર્ટ છે.


