લંડનઃ વિદ્યાર્થીઓને અભ્યાસમાં નુકસાન ન જાય તેવા હેતુસર શાળાઓ ઉનાળુ વેકેશનમાં કાપ મૂકી માત્ર પાંચ સપ્તાહનું કરશે. બ્રિટનમાં સાઉથ યોર્કશાયરની બાર્ન્સ્લે કાઉન્સિલ વેકેશનમાં કાપ મૂકવામાં પ્રથમ રહી છે, જ્યાં ૨૦૧૭-૧૮ના શૈક્ષણિક વર્ષમાં વેકેશન પાંચ સપ્તાહથી પણ ઓછું એટલે કે ચાર સપ્તાહ અને ચાર દિવસનું રહેશે. સ્થાનિક ઓથોરિટી સ્કૂલ્સ જુલાઈના અંત સુધી ખુલ્લી રાખવાનો આદેશ કરાયો છે. જોકે, પોતાની સાથે પરામર્શ કરાયો ન હોવાના કારણે કેટલાક હેડટીચર્સમાં નારાજગી પણ છે.
શાળાઓમાં ઉનાળુ વેકેશનમાં કાપ મૂકવામાં બાર્ન્સ્લે કાઉન્સિલ સૌપ્રથમ છે, જ્યાં જુલાઈના અંત સુધી સ્કૂલો ખુલ્લી રહેશે અને ઓટમ હાફ ટર્મ રજા બે સપ્તાહની રહેશે. કાઉન્સિલના વડાઓએ જણાવ્યું હતું કે છ સપ્તાહના ઉનાળુ વેકેશનથી અભ્યાસમાં ઘણું નુકસાન થતું હતું. અગાઉના વર્ષોમાં શું શીખ્યાં હતાં તે પણ વિદ્યાર્થીઓ ભૂલી જતાં હતાં. જોકે, આ નિર્ણય અંગે પરામર્શ નહિ કરાયાથી મુખ્ય શિક્ષકો રોષે ભરાયા છે.
પેરન્ટ્સ પણ આ નિર્ણયથી નાખુશ થશે કારણકે બે સપ્તાહની ઓટમ હાફ ટર્મ રજાઓ ઓક્ટોબરના પાછલા અને નવેમ્બરના આરંભમાં હશે, જ્યારે યુરોપમાં રજાઓની સીઝન સમાપ્ત થઈ ગઈ હશે. અલગ અલગ સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોના પેરન્ટ્સને વધુ મુશ્કેલી નડશે કારણકે તેણે ચાઈલ્ડકેરની અલાયદી વ્યવસ્થાઓ કરવી પડશે. જોકે, પેરન્ટ્સને ઓટમ ટર્મમાં વધુ સસ્તા વેકેશનનો લાભ મળે તે હેતુથી બ્રાઈટન અને હોવ કાઉન્સિલ પણ આ દિશામાં વિચારી રહી છે.


