શાળામાં મોબાઇલ ફોનનો ઉપયોગ અટકાવવા માટે નવી માર્ગદર્શિકા જાહેર

શિક્ષકો વિદ્યાર્થીની બેગની તલાશી લઇ શકશે, મોબાઇલ ફોન જપ્ત પણ કરી શકશે

Tuesday 20th February 2024 12:07 EST
 
 

લંડનઃ શાળાઓમાં મોબાઇલ ફોનનો ઉપયોગ અટકાવવા માટે ઇંગ્લેન્ડની શાળાઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરાઇ છે. સરકારે જણાવ્યું છે કે વર્ગખંડોમાં વિદ્યાર્થીઓની વર્તણૂંકમાં સુધારો કરવા અને ખલેલ ઘટાડવાની યોજનાના ભાગરૂપે આ માર્ગદર્શિકા જાહેર કરાઇ છે. નવી માર્ગદર્શિકા અંતર્ગત હેટ ટીચર્સ સ્કૂલમાં મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લાદી શકશે. જે વિદ્યાર્થી પ્રતિબંધનું ઉલ્લંઘન કરશે તેની અટકાયત કરાશે તેમજ ફોન પણ જપ્ત કરી લેવાશે. શિક્ષકો વિદ્યાર્થીઓની બેગની તલાશી પણ લઇ શકશે. ઘણી શાળાઓએ મોબાઇલ ફોન પર પ્રતિબંધ લાદી દીધો છે. સતત પ્રયાસોના કારણે બદલાવ લાવી શકાશે. જોકે એક સ્કૂલ લીડર્સ યુનિયને જણાવ્યું છે કે મોબાઇલ ફોનનો સૌથી વધુ ઉપયોગ શાળાની બહાર થતો હોય છે તેથી આ પગલાં નિરર્થક છે.

સરકારે શાળાઓમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ લાદવાની સૌથી પહેલી અપીલ કર્યાના 3 વર્ષ બાદ આ માર્ગદર્શિકા જાહેર કરાઇ છે. માર્ગદર્શિકામાં ફોન મુક્ત વાતાવરણ કેવી રીતે સર્જી શકાય તેના ઉદાહરણ અપાયાં છે. જેમાં શાળા પરિસરમાં મોબાઇલ ફોન પર સંપુર્ણ પ્રતિબંધ અથવા તો શાળા શરૂ થતાં પહેલાં મોબાઇલ ફોન જમા કરાવી દેવા જેવા પગલાંનો સમાવેશ થાય છે. શાળામાં મોબાઇલ ફોનનો જરાપણ ઉપયોગ નહીં કરાય તેવી આકરી શરત સાથે વિદ્યાર્થીઓને મોબાઇલ ફોન સાથે રાખવાની પરવાનગી પણ તેમાં સામેલ છે.

સરકારે જણાવ્યું છે કે સ્કૂલ લીડરોએ નીતિ તૈયાર કરીને તેનો અમલ કરવો જોઇએ. વિદ્યાર્થીઓના કલ્યાણ માટે કામ કરવું તે શાળાઓની કાયદાકીય ફરજ છે. હેડ ટીચર્સને પણ શાળામાં પ્રતિબંધિત વસ્તુઓ માટે વિદ્યાર્થીઓની જડતી લેવાની પરવાનગી આપવામાં આવી છે અને પ્રતિબંધિત વસ્તુઓ ગૂમ થવા અથવા નુકસાન થવા પર તેમને લીગલ પ્રોટેક્શન પણ અપાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter