લંડનઃ ઓક્સફર્ડશાયરના હેન્લી-ઓન-થેમ્સ ખાતે શિપલેક કોલેજના હેડટીચર ગ્રેગ ડેવિસે શાળામાં મોબાઈલ પર પ્રતિબંધ લગાવી યુવાવર્ગને સોશિયલ મીડિયાના તણાવમાંથી મુક્ત કર્યા હતા. આના પરિણામે તેમના વર્તન અને વ્યવહારમાં પણ સુધારો આવ્યો છે. વાર્ષિક ૧૮,૦૦૦ પાઉન્ડની ફી ધરાવતી શાળામાં મોબાઈલ હેન્ડસેટ સાથે પકડાતા વિદ્યાર્થીને શાળા છૂટ્યા પછી પણ રોકી રખાય છે. પેરન્ટ્સ પણ આ પ્રતિબંધથી ખુશ જણાય છે.
શિપલેક કોલેજમાં સવારના ૮.૧૫થી સાંજના ૫.૪૫ના સમયગાળામાં મોબાઈલ ફોન્સ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કોલેજમાં રહેતા વિદ્યાર્થીઓ જ સાંજે મોબાઈલ રાખી શકે છે. ડેવિસે સ્વીકાર્યું હતું કે, ‘પ્રતિબંધની જાહેરાતને રોષપૂર્ણ આવકાર મળ્યો હતો. જોકે, બાળકો હવે ખુશ છે કારણકે સતત ઓનલાઈન દેખાવાના તણાવથી તેઓ મુક્ત થઈ ગયા છે. ઘણા વિદ્યાર્થીઓ તો બીજા લોકો શું પોસ્ટ અને કોમેન્ટ્સ કરે તેની ફરિયાદો કરતા પણ બંધ થઈ ગયા છે. તેઓ હવે લંચના ડેબલ પર વધુ સમય ગાળતા થયા છે અને શાળા પછીનો સમય સ્પોર્ટ્સ તેમજ એકબીજા સાથે વાસ્તવમાં વાતો કરવામાં વીતાવે છે. ફોન્સ હવે વિદ્યાર્થીઓની કાખઘોડી રહ્યા નથી. તેમનું સ્વાસ્થ્ય પણ સુધર્યું છે.’
ફોન્સના કારણે બાળકો એકબીજા સાથે વાતો કરવામાં સમય ગાળતા ન હોવાથી તેમની કોમ્યુનિકેશન સ્કિલ ખરાબ રહેવાનો ભય શિક્ષકોને હતો. સ્ટાફે પણ ઉદાહરણ સ્થાપ્યું છે અને માત્ર ઓફિસમાં જ મોબાઈલનો ઉપયોગ કરે છે. જોકે, શાળા શિક્ષણમાં સહાયક ઉપકરણો તરીકે ટેબ્લેટ્સ અને લેપટોપ્સના ઉપયોગને હજુ પ્રોત્સાહન આપે છે.
લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ અભ્યાસમાં જણાવાયું છે કે શાળાઓમાં ફોન પર પ્રતિબંધ લગાવાયા પછી વર્ગમાં વિદ્યાર્થીઓનો દેખાવ સુધર્યો છે. ૧૬ વર્ષના વિદ્યાર્થીઓના પરિણામોમાં ૬.૪ ટકાનો વધારો થયો હતો.


