લંડનઃ ઇંગ્લેન્ડમાં યુનિવર્સલ ક્રેડિટ મેળવતા વાલીઓના સંતાનો સપ્ટેમ્બર 2026થી શાળામાં વિનામૂલ્યે ભોજન માટે દાવો કરી શકશે. યુનિવર્સલ ક્રેડિટ પ્રાપ્ત કરતા વાલીઓની આવકને ધ્યાનમાં લીધા વિના તેમના સંતાનોને આ સુવિધા મળશે. હાલમાં જે પરિવારની વાર્ષિક આવક 7400 પાઉન્ડ છે તેમના સંતાનોને જ શાળામાં વિનામૂલ્યે ભોજન મળે છે.
સરકારે જણાવ્યું છે કે નિયમમાં બદલાવના કારણે વધુ 5 લાખ વિદ્યાર્થીઓને શાળામાં વિનામૂલ્યે ભોજન પ્રાપ્ત થશે. વડાપ્રધાન સ્ટાર્મરે જણાવ્યું છે કે આ બદલાવથી સૌથી જરૂરિયાતમંદ પરિવારોને મદદ મળી રહેશે.
એજ્યુકેશન સેક્રેટરી બ્રિજિટ ફિલિપસને જણાવ્યું હતું કે, સરકાર શાળાઓમાં વિના મૂલ્યે ભોજનની સુવિધાનું વિસ્તરણ જેમ બને તેમ ઝડપથી અમલી બનાવવા માટે ઝડપથી કામ કરી રહી છે. આ નિર્ણયને પગલે વાલીઓ પ્રતિ વર્ષ 500 પાઉન્ડની બચત કરી શકશે અને એક લાખ બાળકોને ગરીબીમાંથી બહાર લાવી શકાશે.