લંડનઃ શાળામાં સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધના મુદ્દે બે પિતાએ સરકારને અદાલતમાં ઘસડી જવા કમર કસી છે. તેમનો આરોપ છે કે સરકાર સંપુર્ણ પ્રતિબંધ નહીં લાદીને બાળકોના માનવ અધિકારનું ઉલ્લંઘન કરી તેમની સુરક્ષા સાથે સમાધાન કરી રહી છે.
બંને વાલીએ એજ્યુકેશન સેક્રેટરી બ્રિજિટ ફિલિપસનને ચેતવણી આપી છે કે બાળકોને સ્માર્ટફોનના જોખમ સામે સંરક્ષણ આપવામાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની નિષ્ફળતા મુદ્દે અમે અદાલતી સમીક્ષાની માગ કરવા જઇ રહ્યાં છીએ.
આ પહેલાં વડાપ્રધાન સ્ટાર્મરે શાળામાં સ્માર્ટફોનના ઉપયોગ પર સંપુર્ણ પ્રતિબંધ લાદવાની માગ નકારી કાઢતાં જણાવ્યું હતું કે, દરેક શાળામાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ લાદવામાં આવતો જ હોય છે તેથી સરકાર દ્વારા આદેશની કોઇ જરૂર નથી.
પરંતુ વાલીઓ ઇચ્છે છે કે પ્રતિબંધ ફરજિયાત બનાવવામાં આવે જેથી બાળકોને શાળાના સમય દરમિયાન સ્માર્ટફોનનો ઉપયોગ કરતાં અટકાવી શકાય. એપ્રિલમાં ચિલ્ડ્રન કમિશ્નરના રિપોર્ટ અનુસાર દર 10માંથી એક શાળામાં સ્માર્ટફોન પર પ્રતિબંધ નથી. અન્ય કેટલીક શાળામાં ફોન સ્વીચ ઓફ કરાવવા સુધીની જ કાર્યવાહી કરાય છે.