લંડનઃ યુકેના વંશીય લઘુમતી સમુદાયના બ્રિટિશરો શાહી પરિવારને રેસિસ્ટ માને છે આમ છતાં, મેગન મર્કલ અને પ્રિન્સ હેરી વિવાદમાં તેઓ ક્વીનનું સમર્થન કરી રહ્યા છે. YouGov ના નવા સર્વે અનુસાર બહુમતી વંશીય લઘુમતી સમુદાય માટે રોયલ ફેમિલી રંગભેદી છે. આ પોલમાં ૬૭ ટકા લોકોનો ક્વીન પ્રત્યે રચનાત્મક અભિગમ હોવાં છતાં ૪૩ ટકા બિનગોરા લોકોએ યુકેમાંથી રાજાશાહી દૂર કરવાનું મંતવ્ય દર્શાવ્યું હતું.
ઓપ્રાહ વિન્ફ્રે સાથે મેગન મર્કલના બોમ્બશેલ ઈન્ટરવ્યૂ પછી YouGov દ્વારાવંશીય લઘુમતી પશ્ચાદભૂના ૫૦૪ લોકોનો સર્વે કરાયો હતો. આ સર્વેમાં રાજાશાહી રેસિસ્ટ છે, હેરી-મેગન સાથે રોયલ ફેમિલીનો વ્યવહાર વાજબી છે, બ્રિટનમાં રાજાશાહી ચાલુ રહેવી જોઈએ તેમજ ક્વીન વિશે શું અભિપ્રાય છે તેવા મુખ્ય પ્રશ્નો કરાયા હતા. મેગન-હેરીના ઈન્ટરવ્યુ પછી પ્રિન્સ વિલિયમે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અમારો પરિવાર રેસિસ્ટ નથી.
સર્વેમાં ૪૩ ટકાએ વિન્ડસર્સ (શાહી પરિવાર) રેસિસ્ટ હોવાનું જણાવ્યું હતું જ્યારે ૨૭ ટકાએ પરિવાર રેસિસ્ટ હોવાનું નકાર્યું હતું અને ૩૦ ટકાએ તેમને ખબર નહિ હોવાનું કહ્યું હતું. ગયા વર્ષે સીનિયર રોયલ્સની કામગીરી છોડનારા સસેક્સ દંપતી પ્રત્યે યોગ્ય વ્યવહાર કરાયો હતો તે પ્રશ્ને ૪૯ ટકાએ નકારમાં ઉત્તર આપ્યો હતો અને ૨૪ ટકાએ વ્યવહારને વાજબી ગણાવ્યો હતો. દેશમાંથી મોનાર્કી નાબૂદ કરવાના પ્રશ્ને ૪૩ ટકાએ નાબૂદીની તરફેણ કરી હતી જ્યારે ૪૦ ટકાએ નકારમાં ઉત્તર આપ્યો હતો.
YouGovના ડાયરેક્ટર એન્થોની વેલ્સના જમાવ્યા અનુસાર વંશીય લઘુમતીઓનું વલણ સૂચવે છે કે રોયલ ફેમિલીએ થોડી બાંધછોડ કરવી જોઈએ. વંશીય લઘુમતી સમુદાયના લોકો પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલ્લા તરફ નકારાત્મક વલણ ધરાવે છે ત્યારે ખુદ ક્વીન, પ્રિન્સ વિલિયમ અને ડચેસ ઓફ કેમ્બ્રિજ પ્રત્યે તેમનું વલણ હકારાત્મક છે. જોકે, ૨૨ ટકાએ ક્વીન પ્રત્યે નકારાત્મક મત દર્શાવ્યો હતો.

