લંડનઃ શાહી પરિવારના સભ્યોના આસમાને પહોંચેલા પ્રવાસખર્ચાએ નવો વિવાદ સર્જ્યો છે. માર્ચ ૨૦૨૦માં પૂર્ણ થયેલા વર્ષ માટે જાહેર કરાયેલા સત્તાવાર હિસાબોમાં શાહી પરિવારનું કુલ ટ્રાવેલ બિલ ૫.૩ મિલિયન પાઉન્ડને આંબી ગયું છે, જેમાં હાલમાં જ શાહી ફરજોથી અળગા થઈ યુએસમાં નિવાસ કરતા પ્રિન્સ હેરી અને મેગન મર્કેલના આફ્રિકાના પ્રવાસનો સૌથી મોટો ૨૪૫,૬૪૩ પાઉન્ડનો હિસ્સો છે. પ્રિન્સ ચાર્લ્સે ઓમાનના કિંગના નિધન પછી સત્તાવાર ખરખરો કરવા જઈ બે દિવસના પ્રવાસ પાછળ ૨૧૦,૩૪૫ પાઉન્ડનો ખર્ચ કર્યો છે. ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજે ગયા વર્ષે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો જે ૧૧૭,૧૧૬ પાઉન્ડના ખર્ચ સાથે વર્ષની ત્રીજી સૌથી મોંઘી ટ્રીપ બની હતી. શાહી પરિવારના સભ્યોના મોટા ભાગના પ્રવાસો ચાર્ટર પ્લેન અને નિયત ફ્લાઈટ્સ મારફત કરવામાં આવ્યા હતા.
નોંધવાલાયક બાબત એ છે કે વિવાદોથી ખરડાયેલા પ્રિન્સ એન્ડ્રયુએ ગત જુલાઈમાં ઓપન ચેમ્પિયનશિપ નિહાળવા નોર્ધર્ન આયર્લેન્ડમાં રોયલ પોર્ટરશ ગોલ્ફ ક્લબની મુલાકાત લીધી હતી અને બે દિવસના પ્રવાસ પાછળ ૧૫,૮૪૮ પાઉન્ડનો ઉડ્ડયનખર્ચ કર્યો હતો. આ પછી નવેમ્બરમાં વિવાદાસ્પદ ટેલિવિઝન ઈન્ટર્વ્યૂના પગલે ગોલ્ફ ક્લબે તેમને પેટ્રન તરીકે પડતા મૂક્યા હતા. ચીવટવાળાં પ્રિન્સેસ એન પણ સિક્સ નેશન્સ રગ્બી ઈન્ટરનેશનલ સ્પર્ધામાં તેમના માનીતા સ્કોટલેન્ડ અને ઈટાલી વચ્ચેની મેચ નિહાળવાં ૧૬,૪૪૦ પાઉન્ડનું આંધણ કરી ચાર્ટર પ્લેનમાં રોમ પહોંચી ગયાં હતા. પ્રિન્સેસ સ્કોટિશ રગ્બી યુનિયનના પેટ્રન છે.
બકિંગહામ પેલેસના વાર્ષિક રિપોર્ટ અને હિસાબો મુજબ વર્ષ ૨૦૧૯-૨૦ના વર્ષમાં શાહી પ્રવાસોનું કુલ બિલ ૫.૩ મિલિયન પાઉન્ડ આવ્યું છે જે, ગયા વર્ષના ૪.૬ મિલિયન પાઉન્ડના પ્રવાસખર્ચ સામે ૧૫.૨ ટકાનો વધારો દર્શાવે છે. રાજાશાહીવિરોધી કેમ્પેઈન ગ્રૂપ રિપબ્લિકે કહ્યું હતું કે આંકડા રાજાશાહીની સાચી વાર્ષિક કોસ્ટ દર્શાવતા નથી. કેમ્પેઈન ગ્રૂપ રોયલ એસ્ટેટ્સમાંથી ગુમાવાયેલી આવક, પોલિસીંગ અને લોકલ કાઉન્સિલ્સ જેવી અન્ય ઓથોરિટીઝ માટેની કોસ્ટને હિસાબમાં જોડી કુલ બોજાને ૩૪૫ મિલિયન પાઉન્ડ ગણાવે છે. ગ્રૂપે પ્રશ્ન કર્યો હતો કે સરકાર પ્રિન્સ એન્ડ્રયુ ગોલ્ફ ટુર્નામેન્ટમાં જાય અને પ્રિન્સેસ એન ઈટાલીમાં રગ્બી મેચ જોવાં જાય તેના ખર્ચ શા માટે ચૂકવે છે?
બીજી તરફ, બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સે ફ્રોગમોર કોટેજના ભાડાં ને સજાવટના ખર્ચા બદલ ચોક્કસ રકમ ચૂકવી છે. હેરી અને મેગને તેમની વિન્ડસર પ્રોપર્ટીની નવસજાવટ પાછળ ખર્ચાયેલા કરદાતાઓના ૨.૪ મિલિયન પાઉન્ડ ચૂકવી દેવા જોઈએ તેવી માગણી થતી હતી. ઉલ્લેખનીય છે કે કેલિફોર્નિયામાં ૧૧ મિલિયન પાઉન્ડનું ભવ્ય મેન્સન ખરીદ્યાં છતાં તેમણે આ પ્રોપર્ટી યુકેમાં તેમના નિવાસ તરીકે જાળવી રાખી છે. હિસાબોમાં એમ પણ જણાવાયું હતું કે પ્રિન્સ ચાર્લ્સ તેમના સંતાનો કેમ્બ્રિજ અને સસેક્સના ડ્યૂક અને ડચેસ પાછળ જેમાંથી ખર્ચા કરે છે તે ભંડાર ગત વર્ષ કરતાં ૫૫૬,૦૦૦ પાઉન્ડ વધીને ૫.૬ મિલિયન પાઉન્ડનો થયો છે.
રોયલ ટ્રેનની ત્રણ યાત્રા પાછળ £૬૩,૦૦૦નો જંગી ખર્ચ
માત્ર ક્વીન અને પ્રિન્સ ઓફ વેલ્સને જ ઉપયોગ કરવાની છૂટ છે તેવી રોયલ ટ્રેને ગયા વર્ષે માત્ર ત્રણ યાત્રા કરી હતી. રોયલ ટ્રેનમાં સૂવા, જમવા અને લાઉન્જના કેરેજીસ છે. પ્રિન્સ ચાર્લ્સે તેમના ગ્લોસ્ટરશાયર હાઉસથી કાર્લાઈલ સુધી શાહી પ્રવાસ કર્યો હતો અને તેની પાછળ ૨૦,૮૨૨ પાઉન્ડનો ખર્ચ આવ્યો હતો. તેમણે ૧૯,૭૩૭ પાઉન્ડના ખર્ચે વેલ્સની પણ મુલાકાત લીધી હતી. ગયા વર્ષે ક્વીન એલિઝાબેથ દ્વિતીયે માત્ર એક વખત રોયલ ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો. તેઓ દર વર્ષે એક વખત લંડનથી એડિનબરાના પેલેસ ઓફ હોલીરુડહાઉસમાં એક સપ્તાહ ગાળવા જાય છે. ગયા વર્ષે તેમના આ પ્રવાસથી કરદાતાના શિરે ૨૨,૬૯૬ પાઉન્ડનો બોજો આવ્યો હતો.
સામાન્યપણે વર્ષમાં ૧૦થી ૧૪ વખત ઉપયોગમાં લેવાતી રોયલ ટ્રેન હંમેશા વિવાદનું કેન્દ્ર રહી છે. તેનો ઉપયોગ ઘટી રહ્યો છે ત્યારે તેને ભંગારમાં મોકલવી જોઈએ તેવી દલીલો સામે શાહી સૂત્રોએ જણાવ્યું હતું કે રોટલ ટ્રેન હજુ પ્રવાસનું અસરકારક અને સક્ષમ સાધન છે. વયોવૃદ્ધ મહારાણીના રાત્રિના પ્રવાસ માટે આ ટ્રેન સલામત માર્ગ છે જેનાથી સિક્યોરિટી ખર્ચા પણ ઘટે છે તેમ બકિંગહામ પેલેસ જણાવે છે.
મહારાણીની આવકમાં ઘટાડોઃ વધુ ભંડોળ નહિ માગે
કોરોના મહામારીના કારણે ક્વીનની એસ્ટેટની આવકમાં ૩૫ મિલિયન પાઉન્ડ જેટલો ભારે ઘટાડો થયાની જાહેરાત કરાઈ છે. જોકે બકિંગહામ પેલેસે સ્પષ્ટતા કરી છે કે તેઓ પ્રજા પાસે વધારાના નાણા માગશે નહિ અને ખર્ચામાં કાપ મૂકશે. ક્વીનને ક્રાઉન એસ્ટેટની જમીનો અને પ્રોપર્ટીમાં જંગી રોકાણોમાં થતાં નફામાંથી ૨૫ ટકાની આવક મળે છે. એપ્રિલમાં ૯૪ વર્ષના થવાં છતાં ગયા વર્ષે ૨૯૬ સત્તાવાર એંગેજમેન્ટ્સમાં હાજરી આપનારાં ક્વીનને ટેક્સપેયર્સ દ્વારા ભંડોળ તરીકે ૮૨.૪ મિલિયન પાઉન્ડ અપાયા હતા જે, સોવરિન ગ્રાન્ટ તરીકે ઓળખાય છે. પેલેસના જણાવ્યા અનુસાર ગ્રાન્ટ યુકેના દરેક વ્યક્તિ માટે ૧.૨૩ પાઉન્ડની સમકક્ષ છે. આમાં ૪૯.૪ મિલિયન પાઉન્ડની મુખ્ય ગ્રાન્ટ છે જેનો ઉપયોગ સત્તાવાર પ્રવાસો, પ્રોપર્ટીના નિભાવ અને રાષ્ટ્રના વડા તરીકેની ભૂમિકાએ તેમના હાઉસહોલ્ડની પાછળના ખર્ચા તરીકે થાય છે. શાહી પરિવારના સભ્યોએ યુકે અને વિદેશમાં ૩૨૦૦ સત્તાવાર જાહેર સંપર્ક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. દેશભરના શાહી નિવાસોમાં ૬૯.૪ મિલિયન પાઉન્ડનો સત્તાવાર ખર્ચ સાથે ડોનાલ્ડ ટ્રમ્પ સહિત ૧૩૯,૦૦૦થી વધુ મહેમાનોનું સ્વાગત અને સરભરા કરવામાં આવી હતી.
શાહી પરિવારના પ્રવાસો પાછળ કેટલો ખર્ચ?
શાહી સભ્ય ક્યાંનો પ્રવાસ ખર્ચની રકમ (£)
ક્વીન લંડન-બાલ્મોરલ-લંડન ૪૭,૫૭૮
પ્રિન્સ ચાર્લ્સ ઓમાનના કિંગની અંતિમવિધિ ૨૧૦,૩૪૫
’’ જાપાનના રાજવીના રાજ્યાભિષેક ૧૧૩,૦૨૮
’’ રોમ (કેનોનાઈઝેશન વિધિ) ૧૧૩,૦૨૮
પ્રિન્સ ચાર્લ્સ અને ભારત, ન્યૂ ઝીલેન્ડ, સોલોમન ૯૨,૫૪૦
ડચેસ ઓફ કોર્નવોલ ટાપુ સહિતનો પ્રવાસ (સત્તાવાર) ---
’’ નોર્ધન આયર્લેન્ડ (સત્તાવાર) ૪૯,૭૯૩
’’ જર્મની પ્રવાસ (સત્તાવાર) ૭૬,૬૯૦
’’ લંડનથી બર્કહોલ ૧૮,૮૨૨
ડ્યૂક ઓફ કેમ્બ્રિજ કુવૈત અને ઓમાન ૫૮,૦૭૫
ડ્યૂક/ડચેસ ઓફ કેમ્બ્રિજ પાકિસ્તાન (સત્તાવાર) ૧૧૭,૧૧૬
ડ્યૂક/ડચેસ ઓફ સસેક્સ આફ્રિકા (સત્તાવાર) ૨૪૫,૬૪૩
પ્રિન્સેસ એન રગ્બી મેચ જોવાં રોમ ૧૬,૪૪૦
’’ સ્કોટિશ લાઈટહાઉસની મુલાકાત ૧૬,૪૭૭
ડ્યૂક ઓફ યોર્ક ગોલ્ફ ક્લબની મુલાકાતો ૧૫,૮૪૮
અર્લ ઓફ એસેક્સ સ્લોવેનિયા વિ.ના પ્રવાસો ૨૪,૧૯૨
ડ્યૂક ઓફ ગ્લોસ્ટર કેન્યા પ્રમુખ મોઈની અંતિમવિધિ ૧૬,૪૯૫
(આ તમામ પ્રવાસો ચાર્ટર પ્લેન્સ તેમજ નિયમિત ફ્લાઈટ્સ દ્વારા કરાયા હતા.)


