લંડનઃ બ્રિટિશ શાહી પરિવારમાં પ્રિન્સ હેરી સૌથી વધુ લોકપ્રિયતા ધરાવે છે. YouGov દ્વારા કરાયેલી મોજણીમાં પ્રિન્સ હેરી પછી ૭૪ ટકા સાથે મહારાણી દ્વિતીય ક્રમે છે. ત્રીજા અને ચોથા સ્થાને પ્રિન્સ વિલિયમ અને તેમની પત્ની કેથેરાઈન, ડચેસ ઓફ કેમ્બ્રિજ છે. પ્રિન્સ ફિલિપ, ડ્યૂક ઓફ એડિનબરા પાંચમા ક્રમે છે જ્યારે, પ્રિન્સ હેરીના પત્ની મેગન, ડચેસ ઓફ સસેક્સનો ક્રમ છઠ્ઠો આવ્યો છે. જોકે, ભાવિ રાજા અને ૭૦મી વર્ષગાંઠ ઉજવનારા પ્રિન્સ ચાર્લ્સ ૪૮ ટકા મત સાથે તેમના પિતા, પુત્રો અને પુત્રવધુઓથી પાછળ સાતમા ક્રમે છે.
YouGov દ્વારા નવા પોલમાં રાજગાદીના છઠ્ઠા ક્રમના વારસદાર પ્રિન્સ હેરી ૭૭ ટકા મત સાથે સૌથી વધુ લોકપ્રિય શાહી નબીરા છે. મહારાણી ક્વીન એલિઝાબેથ (૭૪ ટકા) અને પ્રિન્સ વિલિયમ (૭૩ ટકા) વચ્ચે વિશેષ તફાવત નથી. બ્રિટિશરો પ્રિન્સ હેરીને રમુજી, નિખાલસ, આનંદી અને આદરને પાત્ર વ્યક્તિ ગણે છે. લોકપ્રિયતા મતદાન મે ૧૫ અને ઓક્ટોબર ૩૧,૨૦૧૮ના ગાળામાં હાથ ધરાયું હતું જેમાં આશરે ૩,૭૦૦ લોકોએ ભાગ લીધો હતો.
મતદાનમાં ડ્યૂક ઓફ કેમ્બ્રિજ પ્રિન્સ વિલિયમને (૭૩ ટકા), કેથેરાઈન, ડચેસ ઓફ કેમ્બ્રિજને (૬૪ ટકા), રાજકાજથી નિવૃત્ત થયેલા પ્રિન્સ ફિલિપ, ડ્યૂક ઓફ એડિનબરાને (૫૬ ટકા), પ્રિન્સ હેરીના સગર્ભા પત્ની અને યુએસ અભિનેત્રી મેગન, ડચેસ ઓફ સસેક્સ (૫૫ ટકા), પ્રિન્સ ઓફ વેલ્સ (૪૮ ટકા) પ્રાપ્ત થયાં છે અને ડચેસ ઓફ કોર્નવોલ, કેમિલા ૨૯ ટકા સાથે ૧૦મા ક્રમે આવ્યાં છે. પ્રિન્સેસ એન (આઠમા), ઝારા ફિલિપ્સ (નવમા), સોફી, કાઉન્ટેસ ઓફ વેસેક્સ (૧૧મા), પ્રિન્સ એડવર્ડ, અર્લ ઓફ વેસેક્સ (૧૨મા), પ્રિન્સેસ બીટ્રીસ ઓફ યોર્ક (૧૩મા), પ્રિન્સેસ યુજિન ઓફ યોર્ક (૧૪મા) અને પ્રિન્સ એન્ડ્રયુ, ડ્યૂક ઓફ યોર્ક (૧૫મા) ક્રમે છે.


