શાહી ફરજો છોડવા સિવાય કોઈ વિકલ્પ ન હતોઃ પ્રિન્સ હેરી

Wednesday 22nd January 2020 02:10 EST
 
 

લંડનઃ પ્રિન્સ હેરીએ ચેરિટી સેન્ટેબેલ માટે ખાનગી ડિનર કાર્યક્રમમાં પોતાનું મૌન તોડતા લાગણીશીલ સંબોધનમાં સીનિયર રોયલ ડ્યૂટીઝ છોડવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ રહ્યો ન હોવાનું જણાવ્યું હતું. હેરીએ કહ્યું હતું કે તેણે અને મેગને જાહેર ભંડોળ વિના જ સેવા ચાલુ રાખવાની આશા સેવી હતી પરંતુ, આમ ન થઈ શકવા બદલ ખેદ પણ વ્યક્ત કર્યો હતો. પ્રિન્સે દાદીમા ક્વીનને પોતાના કમાન્ડર- ઈન-ચીફ ગણાવી તેમના પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો અને સપોર્ટ માટે પરિવારનો આભાર પણ માનવા સાથે તેઓ સહુને છોડી ન રહ્યાં હોવાનું પણ કહ્યું હતું. નામદાર ક્વીન દ્વારા રવિવારે ‘મેગ્ઝિટ સમજૂતી’ જાહેર કરાઈ હતી.

ડ્યૂક ઓફ સસેક્સે ચેલ્સીના આઈવી ખાતે સેન્ટેબેલ માટે ખાનગી ડિનર કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે HIV અને એઈડ્સથી અસરગ્રસ્ત યુવા વર્ગને સપોર્ટ કરવા માટે માટે ૨૦૦૬માં આ ચેરિટીની સ્થાપના કરી હતી. ૩૫ વર્ષીય પ્રિન્સે લાગણીશીલ સંબોધનમાં જાહેર ભંડોળના સહારા વિના જ ક્વીન, કોમનવેલ્થ અને પોતાના મિલિટરી એસોશિયેશનો માટે કામ કરતા રહેવાની શાહી દંપતીની ઈચ્છા હોવાનું જણાવ્યું હતું. યુકે હંમેશાં પોતાનું ઘર બની રહેશે તેમ કહેતા પ્રિન્સે જણાવ્યું હતું કે તેના અને મેગનના મૂલ્યો અને વિચારો સમાન છે. લગ્ન સમયે સંપૂર્ણ શાહી ભૂમિકા ભજવવા અંગે મેગન ઉત્સાહિત અને આશાવાદી હતી. જોકે, સીનિયર ભૂમિકામાંથી પીછેહઠ કરવા સિવાય કોઈ માર્ગ રહ્યો ન હતો અને મહિનાઓની વિચારણા પછી આ દુઃખદાયી નિર્ણય લેવાયો હતો તેમ પણ પ્રિન્સે જણાવ્યું હતું.

પ્રિન્સ હેરીએ જણાવ્યું હતું કે તેઓ આસ્થાની મોટી હરણફાળ ભરી રહ્યા છે અને સેવામય જીવન ચાલુ રાખશે. તેમણે કહ્યું હતું કે,‘ હું એવો વ્યક્તિ જ બની રહીશ જે પોતાના દેશને પ્રેમ કરે છે અને પોતાનું જીવન સારા ઉદ્દેશો, ચેરિટીઝ અને લશ્કરી કોમ્યુનિટીઝને સમર્પિત કરે છે.’ તેણે ઓડિયન્સને જણાવ્યું હતું કે તમારી સેવા કરવાનું અમને વિશિષ્ટ ગૌરવ છે અને અમે તે કરતા રહીશું. આમ તો કશું બદલાતું નથી.’

ડ્યૂકે લોકોનાં HIV વાઈરસ વિચાર બદલવા બાબતે પૂર્વ વેલ્સ રગ્બી કેપ્ટન ગારેથ થોમસની પ્રશંસા કરી હતી. થોમસ યુકેના પ્રથમ સ્પોર્ટ્સમેન ગણાય છે જેઓ HIV સાથે જીવવા બાબતે જાહેરમાં આવ્યા હતા. તેમણે લોસ એન્જલસમાં ગ્રેમી એવોર્ડ્સમાં હાજરી આપવા જતી વખતે મલેશિયાથી દુબઈ થઈને અહીં આવેલા સિંગર લેવિસ કાપાલ્ડીનો પણ પરિચય કરાવ્યો હતો.

પ્રિન્સ હેરી ગુરુવારે બકિંગહામ પેલેસ ખાતે રગ્બી લીગ વર્લ્ડ કપ ડ્રોમાં હાજરી આપ્યા પછી વીકએન્ડમાં કેનેડા જવા રવાના થવાના છે. તેમણે રવિવારે રાત્રે ચેલ્સી ખાતે ચેરિટી ડિનરમાં હાજરી આપી હતી. બે દિવસ અગાઉ ફુલહામમાં બ્રૂક હાઉસ પબ ખાતે તેમણે મિત્રો સાથે ડિનર પણ કર્યું હતું. મેગન અને હેરીએ કેનેડા અને યુકેમાં રહેવાના ટ્રાન્ઝિશન તબક્કાની શરૂઆત કરી દીધી છે. રાજવી ભૂમિકાથી અલગ સ્વતંત્ર જીવન જીવવાના તેમના આગ્રહને ક્વીન, પ્રિન્સ ઓફ વેલ્સ અને પ્રિન્સ વિલિયમે અનુમોદન આપ્યું છે. તેઓ મોટા ભાગનો સમય કેનેડામાં ગાળશે તેમ મનાય છે.

ડ્યૂક HIV સાથેના યુવાનોને સપોર્ટ કરવા પોતાની આફ્રિકાસ્થિત ચેરિટી સેન્ટેબેલ તેમજ રગ્બી ફૂટબોલ લીગ જેવી ચેરિટીઝ અને સંગઠનો સાથે કામ કરવાનું ચાલુ રાખશે જ્યારે ડચેસ પોતાના સારા ઉદ્દેશો સાથે કામ કરશે.

ખાનગી વાતો જાહેર કરતા ઈન્ટરવ્યૂઝ નહિ

રાજવી ભૂમિકા છોડ્યા પછી હેરી અને મેગન કોઈ ગુપ્તતા વિનાનો ઈન્ટરવ્યૂ આપશે તેવી ચર્ચા ચાલી રહી હતી. જોકે, દંપતીના મિત્રોએ આવી કોઈ યોજના નહિ હોવાની સ્પષ્ટતા કરી છે. ડ્યૂક અને ડચેસ આગામી વર્ષનો ઉપયોગ રાજવી પરિવારના કાર્યની બહાર પણ તેઓ પોતાની નવી ભૂમિકા ભજવી શકે છે તેવું ક્વીન સમક્ષ પ્રસ્થાપિત કરવામાં વીતાવશે.

ડ્યૂક અને ડચેસ મોટા યુએસ બ્રોડકાસ્ટર તેમજ ઓપ્રાહ અથવા ગાયેલ કિંગ સહિતની જાણીતી પર્સનાલિટીઓ સાથે કશું છુપાવ્યા વિના ઈન્ટરવ્યૂઝ આપવા વિચારતાં હોવાના અહેવાલો હતા. જોકે, દંપતીની નિકટના સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ આવા કોઈ ઈન્ટરવ્યૂઝ આપશે નહિ. દંપતીની નવી ભૂમિકા બાબતે ક્વીન અને પરિવારની સંમતિથી તેઓ ખુશ અને આભારી છે. પોતાની નવી ભૂમિકા શક્ય હોવાનું તેઓ પૂરવાર કરવા જ ઈચ્છે છે અને તેમાં આવાં ઈન્ટરવ્યૂને કોઈ સ્થાન નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter