ગ્લાસગોઃ ફેસબૂક પર હેપી ઈસ્ટરનો સંદેશો મૂકનારા ગ્લાસગોના શોપકીપર અસાદ શાહની હત્યા પોતે કરી હોવાની કબૂલાત ટેક્સી ડ્રાઈવર તનવીર અહેમદે કરી છે. જોકે, તેના નિવેદનમાં જણાવાયું છે કે અહમદી મુસ્લિમ અસાદ શાહે પયગમ્બર હોવાનો દાવો કરી ઈસ્લામ અને પયગમ્બર મોહમ્મદનું અપમાન કર્યું હોવાથી તેણે આ હત્યા કરી હતી. કસ્ટડીમાં રિમાન્ડ સોંપાયેલા તનવીર અહેમદને ફરી કોર્ટમાં હાજર કરાશે.
અસાદ શાહની હત્યાનો આરોપ ધરાવતા ટેક્સી ડ્રાઈવર અને સુન્ની સંપ્રદાયના તનવીર અહેમદે સ્પષ્ટતા કરી હતી કે આ ઘટનાને ક્રિશ્ચિયાનિટી કે અન્ય કોઈ ધર્મ કે ઈરાદા સાથે સંબંધ નથી. તેના ધારાશાસ્ત્રી જ્હોન રેફર્ટીએ છઠ્ઠી એપ્રિલે હાઈ કોર્ટની બહાર નિવેદન વાંચી સંભળાવ્યું હતું. શાહ અહેમદિયા મુસ્લિમ કોમના હોવાથી તેમના પર જીવલેણ હુમલો કરાયો હોવાના દાવાઓ થયા છે. કહેવાય છે કે નવેમ્બર ૨૦૧૪માં એક મુસ્લિમ જૂથે પોસ્ટ કરેલી બે વીડિયોમાં અસાદ શાહને ‘નકલી પયગમ્બર’ ગણાવાયા હતા. શાહે તેમને મોતની ઓનલાઈન ધમકીઓ મળી હોવાનું પણ કહ્યું હતું.


