શિક્ષકોએ બાળકોના શારીરિક શોષણની જાણ ફરજિયાત કરવાની રહેશે

નવા કાયદામાં જાણ ન કરનાર શિક્ષકો પર પ્રતિબંધ આવી શકે, 7 વર્ષ સુધીની કેદની પણ જોગવાઇ

Tuesday 27th February 2024 10:58 EST
 

લંડનઃ ઇંગ્લેન્ડમાં જો કોઇ શિક્ષક બાળકના શારીરિક શોષણ અંગેના પુરાવા આપવામાં નિષ્ફળ જશે તો તેના પર પ્રતિબંધ લદાઇ શકે છે. હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ આ માટે નવો કાયદો લાવવાની જાહેરાત કરી છે. નવા કાયદા અંતર્ગત આરોગ્ય વ્યાવસાયિકો, શિક્ષકો અને બાળકો મધ્યે કામ કરતાં અન્ય લોકો માટે શારીરિક શોષણ અંગેના કેસોની જાણ કરવી ફરજિયાત બની રહેશે. જે વ્યક્તિ બાળકના શારીરિક શોષણને છૂપાવવાનો પ્રયાસ કરશે તેને 7 વર્ષ કેદની સજાની જોગવાઇ પણ નવા કાયદામાં કરવામાં આવી રહી છે. નવો કાયદો પોલીસને બળાત્કારીઓને તેમના નામ બદલતા અટકાવવાનો અધિકાર પણ આપશે.

ક્લેવરલીએ જણાવ્યું હતું કે, પીડિતોની રજૂઆતો અને સ્વતંત્ર તપાસ સમિતિના અહેવાલની સમીક્ષા કર્યા બાદ અમે કાયદામાં બાળકના શારીરિક શોષણ અંગેની જાણકારી આપવી ફરજિયાત બનાવવા જઇ રહ્યાં છીએ. અમે આ ભયાનક અપરાધ અટકાવવા માટે અમારી પાસે રહેલી સત્તા અને અધિકારોનો સંપુર્ણ ઉપયોગ કરી રહ્યાં છીએ જેથી મહિલાઓ અને બાળકોન સુરક્ષિત રાખી શકાય.

તપાસ સમિતિએ તેના રિપોર્ટમાં ભલામણ કરી હતી કે વ્યાવસાયિકો અને બાળકો મધ્યે કામ કરતા સ્વયંસેવકોને જો બાળકનું શારીરિક શોષણ થઇ રહ્યું હોવાની જાણ થાય અથવા તો એ પ્રકારના પુરાવા તેની સામે આવે તો તેણે તેની જાણ કરવા અંગે કાયદાકીય જોગવાઇ કરવામાં આવે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter