લંડનઃ સરકાર હવે શિક્ષકોની અછત નિવારવા માટે ઇંગ્લિશ સ્કૂલોમાં વિદેશી શિક્ષકોની ભરતીનો પ્રયાસ કરી રહી છે અને આ માટે વધારાના 10,000 પાઉન્ડની ઓફર આપવામાં આવી રહી છે. સરકાર આ વર્ષે ભારત અને નાઇજિરિયા જેવા દેશોમાંથી મેથ્સ, સાયન્સ અને લેંગ્વેજ ટીચર તરીકે સેંકડો વિદેશી શિક્ષકોની ભરતી કરવાની યોજના પર કામ કરી રહી છે. યુરોપ બહારથી ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ માટેની અરજીઓમાં આ વર્ષે મોટો વધારો થયો છે. જોકે નેટ માઇગ્રેશનનો ઊંચો ગયેલો આંક સરકારની આ યોજનામાં બાધારૂપ બની શકે છે.
બીજીતરફ શાળાઓમાં શિક્ષકોની અછતની સામે સરકાર વર્તમાન શિક્ષકોને પગાર વધારો આપતી નથી અને વિદેશી શિક્ષકોને લાવીને છીંડા પૂરવાનો પ્રયાસ કરી રહી હોવાના આરોપ શિક્ષકોના યુનિયનો મૂકી રહ્યાં છે. શિક્ષકોની સંખ્યા વધારવા માટે સરકારે ચૂપચાપ અભિયાન શરૂ કર્યું છે અને વિદેશી શિક્ષકો માટે નિયમોમાં બદલાવ પણ કરાયો છે જેથી ઘાના, ભારત, સિંગાપોર, જમૈકા, નાઇજિરિયા, સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વેમાં મેથ્સ, સાયન્સ અને લેંગ્વેજના શિક્ષણની લાયકાત ધરાવતા શિક્ષકોને સરળતાથી માન્યતા આપી શકાય. આ દેશો બ્રિટન સાથે ઐતિહાસિક શિક્ષણનું જોડાણ ધરાવે છે. તે ઉપરાંત આ દેશોના શિક્ષકો અહીં કામ કરવા પણ ઇચ્છતા હોય છે. આ શિક્ષકો પાસે અભ્યાસની ડિગ્રી, ટીચર ટ્રેનિંગની લાયકાત અને ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. તેઓ અંગ્રેજી ભાષા પર સારુ પ્રભુત્વ ધરાવતા હોવા જોઇએ. જે શિક્ષકો પાસે જોબ ઓફર હશે તેમને યુકેના વિઝા આપવામાં આવશે. તેમને લઘુત્તમ 27000 પાઉન્ડનો પગાર અપાય તેવી સંભાવના છે.
શું લાયકાત હોવી જોઈએ?
યોગ્યતા ધરાવતા શિક્ષકો ગ્રેજ્યુએટ હોવા જોઈએ. માન્ય શિક્ષણ અને તાલીમ આપવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ. એક વર્ષનો અનુભવ હોવો જોઈએ. અન્ડરગ્રેજ્યુએટ સ્તરે અંગ્રેજી બોલવાની કુશળતા હોવી જોઈએ. તેમને જોબ ઓફર સાથે બ્રિટનના વર્ક વિઝા અપાશે. વર્ષે રૂ. 27 લાખ કે, 27,000 પાઉન્ડ સુધીનું વેતન અપાશે.
ઇન્ટરનેશનલ રિલોકેશન પેમેન્ટ સિસ્ટમ શું છે?
વર્ષ 2023 અને 2024નાં શૈક્ષણિક વર્ષ માટે પાયલોટ ધોરણે ઇન્ટરનેશનલ રિલોકેશન પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જેમાં યુકે દ્વારા વિદેશી શિક્ષકોને જોબ ઓફર કરવામાં આવે છે. તેમનાં વિઝાનો ખર્ચ ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ અને અન્ય સ્થળાંતરનો ખર્ચ ભોગવવામાં આવશે.


