લંડનઃ બ્રિટનની શાળાઓમાં શિક્ષકોની અછતને પહોંચી વળવા મોટી સંખ્યામાં વિદેશી શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે. શાળાઓને બ્રિટિશ અરજકર્તાઓ ન મળવાના કારણે વિદેશો તરફ નજર દોડાવવાની ફરજ પડી છે. સરકાર નાઇજિરિયા અને ભારત જેવા દેશોમાંથી શિક્ષકો નિયુક્ત કરવા 10,000 પાઉન્ડના વેતનની ઓફર આપી રહી છે. આ વર્ષે ટીચર્સ ટ્રેનિગ માટે મળતી વિદેશી શિક્ષકોની અરજી પણ બમણી થઇ છે. બ્રિટનમાં શિક્ષકોની ભારે અછત પ્રવતી રહી છે. આંકડા દર્શાવે છે કે સહાયક શિક્ષકની દર પાંચમાંથી એક જગ્યા ખાલી પડી છે. સ્થાનિક સત્તામંડળો દ્વારા સંચાલિત શાળાઓમાં સહાયક શિક્ષકની 18 ટકા જગ્યા ખાલી પડી છે.
10,000 કરતાં વધુ સ્કૂલ સપોર્ટ સ્ટાફનું પ્રતિનિધિત્વ કરતા જીએમબી યુનિયને માહિતી અધિકાર અંતર્ગત પ્રાપ્ત કરેલા આંકડા અનુસાર યોર્કશાયરના ઇસ્ટ રિડિંગમાં 19 ટકા અને લ્યુટનમાં 22 ટકા જગ્યા ખાલી પડી છે. ડર્બીશાયરમાં 27 ટકા જગ્યા ખાલી છે. કાઉન્સિલો દ્વારા સંચાલિત શાળાઓમાં સરેરાશ 18 ટકા સહાયક શિક્ષકની જગ્યા ખાલી છે.
બહુમતી સ્થાનિક સત્તામંડળો કહે છે કે તેઓ સહાયક શિક્ષકોની ખાલી જગ્યાઓનું મોનિટરિંગ કરતાં નથી. જોકે શિક્ષણ વિભાગને દર વર્ષે આ અંગે માહિતી આપવાની રહે છે. ઓછા વેતનના કારણે શાળાઓમાં ભરતીના પડકારો ગંભીર બન્યાં છે. ગયા વર્ષે સહાયક શિક્ષકને સરેરાશ 15,476 પાઉન્ડનો પગાર ચૂકવાયો હતો. તેના કારણે શાળાઓ સહાયક શિક્ષક અને અન્ય સપોર્ટ સ્ટાફની ભરતી કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે.
ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓના વાલીઓએ હવે વધુ આકરો દંડ ચૂકવવો પડશે
શાળાઓમાં વિદ્યાર્થીઓની ગેરહાજરી ઘટાડવા માટેના સરકારના પ્રયાસો અંતર્ગત હવે વાલીઓએ એક સપ્તાહ કે તેથી વધુ સમય શાળામાં ગેરહાજર રહેતા તેમના બાળકો માટે વધુ દંડ ચૂકવવો પડશે. સમગ્ર ઇંગ્લેન્ડમાં બાળકોની હાજરી વધારવા સરકારે દંડની રકમ 60 પાઉન્ડથી વધારીને 80 પાઉન્ડ કરી છે.

