લંડનઃ શિક્ષક તરીકેની લાયકાત મેળવ્યા પછી વિદેશની ખાનગી શાળાઓમાં નોકરી કરવા ચાલ્યા જતા અટકાવવા શિક્ષકો પર ‘ગોલ્ડન હેન્ડકફ્સ’ નિયંત્રણો લાદવામાં આવશે. ચીફ ઈન્સ્પેક્ટર ઓફ સ્કૂલ્સ સર માઈકલ વિલ્શોએ જણાવ્યું હતું કે બ્રિટિશ લેન્ગ્વેજ સ્કૂલ્સમાં શીખવવા લલચામણી ઓફર્સના પગલે મોટી સંખ્યામાં શિક્ષકો વિદેશ ચાલ્યા જતા હોવાથી ઈંગ્લેન્ડની શાળાઓ બ્રેઈન ડ્રેઈન એનુભવે છે. તાલીમ મેળવેલા નવા શિક્ષકોને સ્વતંત્ર શાળાઓમાં કામ કરતા અટકાવવા સહિત નિયંત્રણો લાગી શકે છે.
ઓફસ્ટેડની વેબસાઈટ પર સર વિલ્શોએ ખાસ કરીને ગલ્ફ અને ફાર ઈસ્ટના દેશોમાં ઓવરસીઝ ફ્રેન્ચાઈઝ સ્થાપતી હેરો, માર્લબરો અને શ્ર્યુસબરી સહિતની અગ્રણી બ્રિટિશ સ્કૂલ્સને દોષિત ઠરાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘બે વર્ષ અગાઉ, ૨૯ ઓવરસીઝ ફ્રેન્ચાઈઝીસ હતી, જે ૨૦૧૫ના અંત સુધીમાં વધીને ૪૪ થઈ છે અને આગામી મહિનાઓમાં આ સંખ્યામાં પણ વધારો થશે.’
સર વિલ્શોએ ઈન્ટરનેશલ સ્કૂલ કન્સલ્ટન્સી સર્વેના આંકડા આપ્યા હતા. સર્વે અનુસાર ૧૦૦,૦૦૦ બ્રિટિશ શિક્ષકો વિદેશમાં ઈંગ્લિશ લેન્ગ્વેજ સ્કૂલ્સમાં કામ કરે છે, જેમાં ગયા વર્ષે ૧૮,૬૦૦ શિક્ષક બ્રિટન છોડી ગયા હતા. ઓફસ્ટેડના વડાએ પ્રશ્ન કર્યો હતો કે, ‘આ દેશના ગરીબ બાળકોના ભોગે વિદેશી ધનાઢ્યોના સંતાનો યુકેના ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ્સનો લાભ મેળવે તે કેટલા અંશે યોગ્ય ગણાય? આપણી સિસ્ટમમાં તાલીમ મેળવેલા શિક્ષકોને કારકીર્દિના પ્રારંભિક વર્ષો આ દેશમાં શીખવવા કરારથી વચનબદ્ધ કરવામાં આવે તે ખોટું નથી.’


