શિમ્મી શાહ રોયલ મિન્ટના બોર્ડમાં નિયુક્ત

Tuesday 30th March 2021 15:13 EDT
 
 

લંડનઃ રોયલ મિન્ટે વેન્ચર કેપિટાલિસ્ટ શિમ્મી શાહને નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે પોતાના બોર્ડમાં નિયુક્ત કર્યા છે. શિમ્મી ઈન્વેસ્ટમેન્ટ અને ઈન્ટરનેશનલ એક્સ્પાન્શન ક્ષેત્રમાં ૨૫ વર્ષનો અનુભવ ધરાવે છે અને રોયલ મિન્ટ વિદેશમાં વિકાસ સાધી રહી છે ત્યારે બિઝનેસને સપોર્ટ કરશે, ESG સ્ટ્રેટેજીને વિકસાવશે તેમજ સંસ્થાને વધુ વૈવિધ્યપૂર્ણ અને સમાવેશી બનાવશે તેમ રોયલ મિન્ટ દ્વારા જણાવાયું હતું.

મિસ શિમ્મી શાહ ૨૦ કરતાં વધુ વર્ષથી ઈન્વેસ્ટિંગ અને વેન્ચર કેપિટલ સાથે સંકળાયેલાં છે અને વિવિધ ફંડ્સ મારફતે ૫૫૦ મિલિયન ડોલરથી વધુ રોકાણો કર્યા છે. તેઓ હાલ ઈમ્પેક્ટ હોલ્ડિંગ્સ ગ્રૂપના અધ્યક્ષ, કેરોસેલ સોલ્યુશન ગ્રૂપના એક્ઝિક્યુટિવ ચેર અને મિરાટેકના અધ્યક્ષ છે. તેઓ નોર્થ ઈસ્ટ રીજિયોનલ ડેવલપમેન્ટ ફંડના એડવાઈઝરી બોર્ડના સભ્ય પણ છે.

રોયલ મિન્ટ ગ્રૂપ નવી પ્રોડક્ટ્સ તેમજ પ્રીમિયમ કલેક્ટેબલ્સ અને કિંમતી ધાતુઓમાં ઈન્વેસ્ટમેન્ટ્સ જેવી સર્વિસીસમાં વિસ્તૃતિકરણ કરી રહેલ છે ત્યારે મિસ શાહ ગ્રૂપમાં સામેલ થયાં છે. ગ્રૂપના ચેરમેન ગ્રેહામ લોવે મિસ શિમ્મી શાહને બોર્ડમાં આવકાર્યા હતા.

મિસ શાહે જણાવ્યું હતું કે બ્રિટનની સૌથી જૂની કંપની માટે રોમાંચક નવું ભવિષ્ય સર્જાઈ રહ્યું છે ત્યારે રોયલ મિન્ટમાં જોડાવું મારાં માટે આનંદની વાત છે. આજે કર્મચારીઓ અને ગ્રાહકો વિશ્વાસ, મૌલિકતા અને નીતિમત્તાની માગણી કરે છે. પ્રીમિયમ બ્રિટિશ બ્રાન્ડ તરીકે રોયલ મિન્ટ આ પુરું પાડવા માટે યોગ્ય સ્થાન ધરાવે છે. રોયલ મિન્ટના બોર્ડમાં ઉપસ્થિત વૈવિધ્યતાથી હું પ્રભાવિત છું અને વધુ વૈવિધ્યપૂર્ણ કસ્ટમર અને એમ્પ્લોઈ ગ્રૂપ્સની જરુરિયાત સંતોષવામાં હું તેમને મદદરુપ બનીશ.’

૮૦૦થી વધુ કર્મચારી અને ૪૦૦ મિલિયન પાઉન્ડથી વધુ રેવન્યુ ધરાવતી રોયલ મિન્ટે ગયા વર્ષે પોતાના સિક્કાઓ અને કિંમતી ધાતુઓ મારફતે વૈવિધ્યપૂર્ણ કોમ્યુનિટીઓને પ્રતિબિંબિત કરવાની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી. આ પછી મિન્ટે ૫૦ પેન્સનો ‘Diversity Built Britain’ કોઈન જાહેર કર્યો હતો તેમજ દીવાળીના ગોલ્ડ બારની સીરિઝ વિશે જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter