શિયાળામાં એક સપ્તાહ લાંબા વીજકાપની નોબત આવી શકે, સરકારનો ઇમર્જન્સી પ્લાન તૈયાર

ટ્રાન્સપોર્ટ, વોટર અને ફૂડ સપ્લાય, કોમ્યુનિકેશન અને એનર્જીનો પૂરવઠો એક સપ્તાહ સુધી ખોરવાઇ શકે

Wednesday 09th November 2022 05:00 EST
 
 

લંડન

શિયાળામાં 7 દિવસ સુધીનો વીજકાપ લાદવો પડે તેવી સ્થિતિને પહોંચી વળવા સરકાર વોર ગેમ ઇમર્જન્સી પ્લાન બનાવી રહી છે. સરકારના કેટલાક સંવેદનશીલ દસ્તાવેજોમાં ચેતવણી આપવામાં આવી છે કે જો તાકિદની સ્થિતિમાં 7 દિવસ સુધી વીજકાપ લાદવાની ફરજ પડે તો ટ્રાન્સપોર્ટ, વોટર અને ફૂડ સપ્લાય, કોમ્યુનિકેશન અને એનર્જીનો પૂરવઠો એક સપ્તાહ સુધી ખોરવાઇ શકે છે.

દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું છે કે જો દેશમા લાંબા અંધારપટની સ્થિતિ સર્જાય તો મંત્રીઓ બાળકો અને વૃદ્ધોને ભોજન અને પાણી ઉપલબ્ધ કરાવવાને પ્રાથમિકતા આપશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વખતે બ્રિટનને કાતિલ શિયાળાનો સામનો કરવો પડશે. સરકારે આ સ્થિતિને પહોંચી વળવા માટે યેરો નામનો ઇમર્જન્સી પ્લાન તૈયાર કર્યો છે. તાજેતરના દિવસોમાં સમગ્ર દેશના સરકારી વિભાગો અને કાઉન્સિલો કટોકટીની સ્થિતિને પહોંચી વળવા શ્રેણીબદ્ધ કવાયતો કરી રહી છે.

રશિયા અને યુક્રેન વચ્ચે લંબાઇ રહેલા યુદ્ધના કારણે બ્લેકઆઉટની સંભાવના અને ચિંતાઓમાં વધારો થઇ રહ્યો છે. સરકારી સૂત્રો સ્વીકારી રહ્યાં છે કે બદતર સ્થિતિને પહોંચી વળવાની યોજનાઓ તાકિદે તૈયાર કરવાની જરૂરીયાત સર્જાઇ છે. પરિવારો વધી રહેલા વીજળી બિલની સમસ્યાનો પણ સામનો કરી રહ્યાં છે.

લેબર પાર્ટીએ આરોપ મૂક્યો છે કે દરેક સરકાર તાકિદની સ્થિતિને પહોંચી વળવા માટે કન્ટીજન્સી પ્લાન તૈયાર કરતી હોય છે પરંતુ કન્ઝર્વેટિવ એનર્જી પોલિસી નિષ્ફળ જવાના પરિણામો દેશ ભોગવી રહ્યો છે. ટોરી સરકારની નિષ્ફળતાઓના કારણે ગેસની આયાતમાં વધારો થયો છે. જેના કારણે બ્રિટન પુતિનની કુટિલ નીતિઓનો ભોગ બની રહ્યો છે.

શું છે સરકારના ઇમર્જન્સી પ્લાનમાં

  1. વીજકાપના સમયમાં સૌથી ગરીબ લોકોને ભોજન પુરું પાડવું
  2. રેડિયો ટુ અને રેડિયો ફોર પર ઇમર્જન્સી બ્રોડકાસ્ટ કરવું
  3. અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ સમયે 3 કલાકનો વીજકાપ લાદવો

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter