લંડનઃ યુકેએ શિયાળામાં ઓમિક્રોન વેરિએન્ટના હુમલાને ખાળવા ૪.૨૫ મિલિયન એન્ટિવાઈરલ પિલ્સની ખરીદી ફાઈઝર અને મેરેક પાસેથી ખરીદી છે. ૫૦ વર્ષથી વધુની વય તેમજ અન્ય ગંભીર સમસ્યા ધરાવતા લોકોને આ પિલ્સ ઓફર કરાશે જે ચેપ લાગ્યાના એક સપ્તાહમાં જ દિવસમાં બે વખત ઘરમાં જ લેવાની રહેશે. નવા ઓર્ડરની પિલ્સ ૨૦૨૨ના શરૂઆતી ગાળામાં આવવા લાગશે.
યુકે સરકારે શિયાળામાં ઓમિક્રોન વેરિએન્ટના હુમલા સામે રક્ષણ મેળવવા વધારાની ૪.૨૫ મિલિયન એન્ટિવાઈરલ પિલ્સ ખરીદવાનો ઓર્ડર આપી દીધો છે. આ ઓર્ડરમાં ફાઈઝરની પેક્સ્લોવિડ - Paxlovid ના ૨.૫ મિલિયન કોર્સ અને મેરેકની લેગેવરીઓ-Lagevrio ના ૧.૭૫ મિલિયન કોર્સનો સમાવેશ થાય છે. ફાઈઝરની પેક્સ્લોવિડથી અસલામત વયસ્કોને હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ૯૦ ટકા ટળી જતું હોવાનું કહેવાય છે. બીજી તરફ, મેરેકની લેગેવરીઓ પિલ્સથી મોતનું જોખમ ૩૦ ટકા ઘટતું હોવાનું જણાયું છે. સરકારે અગાઉ મેરેકની મોલ્નુપિરાવિરના બ્રાન્ડનેમ લેગેવરીઓ પિલ્સના ૪૮૦,૦૦૦ ડોઝની ખરીદી કરેલી છે જ્યારે ઓક્ટોબરમાં પેક્સ્લોવિડના ૨૫૦,૦૦૦ ડોઝ ખરીદાયા હતા.
આ બંને પિલ્સ પોઝિટિવ ટેસ્ટિંગના પાંચ દિવસની અંદર આપવાની હોય છે. ઈમ્યુનિટી ઘટી ગઈ હોય તેવા દર્દી, કેન્સરગ્રસ્ત તેમજ અન્ય ગંભીર હાલત ધરાવતા લોકોને NHS થકી લેગેવરીઓ પિલ્સ અપાઈ જ રહી છે. બ્રિટિશ મેડિકલ રેગ્યુલેટર્સની લીલી ઝંડી મળવાના સપ્તાહોમાં જ ફાઈઝરની પેક્સ્લોવિડ આ જ રીતે આપવાની શરૂઆત કરાશે.
આ નવા સોદાની કિંમત કેટલી હશે તે જાહેર કરાયું નથી પરંતુ, અગાઉ લેગેવરીઓ પિલ્સનો જથ્થો આશરે ૨૫૦ મિલિયન પાઉન્ડમાં ખરીદાયો હોવાનું મનાય છે. ડોક્ટર્સના કહેવા મુજબ પેક્સ્લોવિડ સારવારના એક કોર્સ માટે અંદાજિત ૫૨૫ પાઉન્ડ (૭૦૦ ડોલર)ની કિંમત બેસશે. પેક્સ્લોવિડ અને લેગેવરીઓની દરેક સારવાર પાછળ અંદાજે ૧ બિલિયન પાઉન્ડથી વધુ રકમ ચૂકવી હોવાનું કહેવાય છે.


