લંડનઃ આ શિયાળામાં ફ્લુના રોગથી ૬૦,૦૦૦ જેટલા લોકોના મોત થવાની ચેતવણીઓ મધ્યે NHSના ઈતિહાસમાં ફ્લુવિરોધી મહાઅભિયાન શરૂ કરી દેવાયું છે. બ્રિટિશરોને ફ્લુ વેક્સિન અને કોવિડ વેક્સિનના બૂસ્ટર ડોઝ લેવા જણાવાયું છે. શિયાળા અગાઉ ફ્લુના કેસીસમાં ઉછાળાથી ચિંતા ફેલાઈ છે.
એકેડેમી ઓફ મેડિકલ સાયન્સીસની રિપોર્ટ અનુસાર કોરોના વાઈરસ, ફ્લુ અને રેસ્પિરેટરી સેન્કિટીઅલ વાઈરસ (RSV)નું ત્રેવડું જોખમ NHS માટે ભારે મુશ્કેલી ઉભી કરશે. સામાન્ય વર્ષની સરખામણીએ ફ્લુ અને RSVથી હોસ્પિટલમાં દાખલ થવા અને મોતનું જોખમ આ વર્ષે બેવડાઈ જશે. રિપોર્ટમાં ફ્લુથી ૬૦,૦૦૦ના મોત અને RSVથી ૪૦,૦૦૦ બાળકોને હોસ્પિટલમાં દાખલ થવું પડશે તેવી ચેતવણી પણ અપાઈ છે.
સરકારે NHSના ઈતિહાસમાં ફ્લુવિરોધી સૌથી મોટો પ્રોગ્રામ શરૂ કર્યો છે જેમાં ઈંગ્લેન્ડમાં ૩૫ મિલિયનથી વધુ લોકો ફ્રી ફ્લુ વેક્સિન મેળવવાને પાત્ર છે. આની સાથોસાથ કોવિડ બૂસ્ટર ડોઝ આપવાની પણ શરૂઆત કરાઈ છે અને ઈંગ્લેન્ડમાં બૂસ્ટર ડોઝ મેળવવાપાત્ર આશરે૨૮ મિલિયન લોકોમાંથી અત્યાર સુધી આશરે ૧.૭ મિલિયન લોકોને ત્રીજો ડોઝ આપી દેવાયો છે. જોઈન્ટ કમિટી ઓન વેક્સિનેશન એન્ડ ઈમ્યુનાાઈઝેશન (JCVI)ની માર્ગદર્શિકા હેઠળ કોઈ પણ કોરોના વાઈરસ વેક્સિનના બીજો ડોઝ લેવાયાના ૬ મહિના પછી જ બૂસ્ટર ડોઝ લઈ શકાય છે.
હેલ્થ ચીફ્સ બ્રિટિશરોને ફ્લુવિરોધી વેક્સન લઈ લેવા અનુરોધ કરે છે. ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર જોનાથન વાન-ટામે જણાવ્યું હતું કે લોકોમાં આ વર્ષે કુદરતી ઈમ્યુનિટી ઓછી છે. ગયા વર્ષે કોરોના મહામારીના કારણે લોકોને ફ્લુ વેક્સિન્સ અપાઈ ન હતી પરંતુ, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા કોરોનાલક્ષી નિયંત્રણોના કારણે ફ્લુનો ચેપ ઓછો ફેલાયો હતો. હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે ફ્લુ અને કોવિડ વેક્સિન સાથે લઈ લેવા લોકોને અપીલ કરી છે. કેટલાક વિસ્તારોમાં ફ્લુ અને કોવિડ વેક્સિન અલગ અલગ હાથ પર લેવાની ઓફર કરાઈ રહી છે.
તાજેતરમાં૩,૦૦૦ લોકોના સર્વેમાં જણાયું હતું કે ફ્લુ અને કોવિડ-૧૯ એક જ સમયે ફેલાઈ શકે તેનાથી ૩૨ટકા લોકો અજાણ હતા. ૨૬ ટકાને ફ્લુ જીવલેણ નીવડી શકે તેની જાણ ન હતી તેમજ ૫૫ ટકા લોકોને ઈંગ્લેન્ડમાં સરેરાશ ૧૧,૦૦૦ લોકો ફ્લુથી મોતને ભેટતા હોવાની જાણકારી ન હતી. લગભગ ૯ ટકા લોકો એમ માનતા હતા કે કોવિડ-૧૯ વેક્સિન તેમને ફ્લુ સામે રક્ષણ આપશે.