લંડન
પગાર વધારા સહિતની અન્ય માગોના કારણે આગામી શિયાળો વિવિધ સેક્ટરોની હડતાળથી ભરપૂર રહેશે. એનએચએસથી માંડીને રોયલ મેઇલ અને ટ્રાન્સપોર્ટની હડતાળો જનજીવન પર માઠી અસર પાડશે. અલગ અલગ સેક્ટરમાં હડતાળ માટે હાલ મતદાન ચાલી રહ્યાં છે અને હડતાળ ટાળવા માટે સરકાર દ્વારા કરાતી ચર્ચાઓમાં થતો વિલંબ હડતાળને અનિવાર્ય બનાવી રહ્યો છે.
106 વર્ષમાં પહેલીવાર એનએચએસની પાંચ લાખ નર્સ હડતાળ પર જશે
પાંચ લાખ નર્સનું પ્રતિનિધિત્વ કરતી રોયલ કોલેજ ઓફ નર્સિંગે જણાવ્યું છે કે ક્રિસમસ પહેલાં 106 વર્ષા ઇતિહાસમાં પહેલીવાર એનએચએસની નર્સો દેશવ્યાપી હડતાળ પર જશે. તે ઉપરાંત એનએચએસનો 3,50,000નો પેરામેડિકલ સ્ટાફ પણ પગારના મુદ્દે હડતાળ પર જવા મતદાનની પ્રક્રિયા કરી રહ્યો છે. સ્કોટલેન્ડ અને નોર્ધન આયર્લેન્ડમાં એમ્બ્યુલન્સ કર્મચારીઓ હડતાળ પર જવાનો નિર્ણય કરી ચૂક્યાં છે. જાન્યુઆરીમાં જુનિયર ડોક્ટરો હડતાળની તૈયારી કરી રહ્યાં છે.
રોયલ મેઇલના કર્મચારીઓની હડતાળો અવિરત જારી
રોયલ મેઇલના કર્મચારીઓ દ્વારા પગાર વધારાની માગ સાથે અત્યાર સુધીમાં સંખ્યાબંધ હડતાળનું આયોજન થઇ ચૂક્યું છે. ગયા સપ્તાહમાં શનિવારે અને સોમવારે રોયલ મેઇલના કર્મચારીઓ દ્વારા 48 કલાકની બે હડતાળ પડાઇ હતી. બ્લેક ફ્રાઇડે અને સાયબર મન્ડેના દિવસોમાં પડાયેલી આ હડતાળના કારણે પાર્સલ અને પોસ્ટ ડિલિવરી ખોરવાઇ ગઇ હતી.
નવેમ્બરમાં યુનિવર્સિટીઓના 70,000 કર્મચારીઓની હડતાળ
નવેમ્બરમાં વિવિધ યુનિવર્સિટીઓના 70,000 કર્મચારીઓ હડતાળ પર જશે. યુનિવર્સિટી એન્ડ કોલેજ યુનિયને જણાવ્યું છે કે 24,25 અને 30 નવેમ્બરના રોજ દેશવ્યાપી હડતાળ પડાશે જેમાં 150 યુનિવર્સિટીના કર્મચારીઓ સામેલ થશે.
રેલવે કર્મચારીઓની વારંવારની હડતાળથી જનતા ત્રાહિમામ
રેલવેના કર્મચારીઓ દ્વારા વારંવાર પડાતી હડતાળના કારણે જનતા ત્રાહિમામ પોકારી રહી છે. ગયા સપ્તાહમાં ગુરુવારે ટ્રાન્સપોર્ટ ફોર લંડન અને લંડન અંડરગ્રાઉન્ડના કર્મચારીઓ દ્વારા પડાયેલી હડતાળના કારણે રેલવે સેવાઓ ઠપ થઇ ગઇ હતી. રેલવે કંપનીઓ અને યુનિયનો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો પર ભવિષ્યની હડતાળોનો આધાર રહેલો છે. આરએમટી યુનિયને જણાવ્યું હતું કે, અમે સમજૂતિ માટે આગામી 6 મહિના સુધી લડત આપતા રહીશું..
હજારો પર્યાવરણ કર્મચારીઓ હડતાળના મૂડમાં
પગાર વધારાના મામલે હજારો પર્યાવરણ કર્મચારીઓ પણ હડતાળ પર જવાની તૈયારી કરી રહ્યાં છે. રીવર ઇન્સ્પેક્ટર, ફ્લડ ફોરકાસ્ટિંગ ઓફિસરો, કોસ્ટલ રિસ્ક મેનેજમેન્ટ ઓફિસરો, સુએજ પ્લાન્ટ એટેન્ડન્ટ્સ અને થેમ્સ બેરિયરનો મેન્ટેનિંગ સ્ટાફ આ સપ્તાહમાં હડતાળ માટે મતદાન કરી રહ્યો છે. આ હડતાળમાં વૈજ્ઞાનિકો અને ઇજનેરો પણ સામેલ થાય તેવી સંભાવના છે. ઘણા બરોમાં રિફ્યુઝ વર્કર્સ દ્વારા 3 સપ્તાહની હડતાળનો પ્રારંભ કરાયો છે.
હિથ્રો એરપોર્ટના સેંકડો કર્મચારીઓ 3 દિવસની હડતાળ પર જશે
નવેમ્બરમાં હિથ્રો એરપોર્ટના સેંકડો કર્મચારીઓ હડતાળ પર જશે જેના કારણે ઘણાના પ્રવાસ આયોજનો ખોરવાઇ શકે છે. 18થી 21 નવેમ્બર સુધી પગાર વધારાની માગ સાથે હિથ્રો એરપોર્ટના ગ્રાઉન્ડ હેન્ડલિંગ, એરસાઇડ ટ્રાન્સપોર્ટ અને કાર્ગોના લગભગ 700 કર્મચારી હડતાળ પર જઇ રહ્યાં છે.


