લંડનઃ હેમ્પસ્ટેડમાં કોસ્ટકટર શોપના સ્ટાફને ધમકીઓ આપવાના ફૂટેજ સામે આવતાં નોર્થ લંડનની કેમડેન કાઉન્સિલના કન્ઝર્વેટિવ પાર્ટીના કાઉન્સિલર શિવા તિવારીને રાજીનામુ આપવાની ફરજ પડી હતી. શોપના કર્મચારીઓએ ઓળખપત્ર વિના યુપીએસ પાર્સલ આપવાનો ઇનકાર કરતાં બંને પક્ષ વચ્ચે માથાકૂટ શરૂ થઇ હતી.
વીડિયો ફૂટેજમાં કાઉન્સિર શિવા તિવારી બૂમો પાડતાં કહે છે કે મને ખીજવશો નહીં. હું આ વિસ્તારનો કાઉન્સિલર છું. હું તમારી દુકાન બંધ કરાવી દઇશ. તેમણે પોતાનું પાર્સલ પ્રાપ્ત કરવા માટે બૂમાબૂમ કરી હતી અને મેનેજરને બોલાવવાનો આગ્રહ રાખ્યો હતો. શિવા તિવારીએ એક કર્મચારીને ધકેલીને સ્ટોરરૂમમાંથી પાર્સલ મેળવવાનો પણ પ્રયાસ કર્યો હતો.
શોપના મેનેજર રાકેશ ભીમજિયાનીએ જણાવ્યું હતું કે, અમે પોલીસને બોલાવી હતી તેથી તિવારી સ્થળ પરથી ચાલ્યા ગયા હતા અને 40 મિનિટ બાદ ઓળખપત્ર સાથે પરત આવ્યા હતા.