શિવા હોટેલ્સને મેરિલીબોન હોટલ પ્રોજેક્ટ માટે £૨૩૦ મિલિ. ધીરાણ

Tuesday 14th July 2020 13:22 EDT
 

લંડનઃ યુકેમાં હોટેલ્સના માલિક અને સંચાલક શિવા હોટલ્સ ગ્રૂપે લંડનના મેરિલીબોનમાં ૧૯૯ રૂમની લક્ઝુરિયસ હોટલના નિર્માણ માટે રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ અને ફાઈનાન્સ ફર્મ કેલ સ્ટ્રીટ ઈન્વેસ્ટમેન્ટ્સ અને યુકેની રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ફર્મ ક્રોસટ્રી પાસેથી કુલ ૨૩૦ મિલિયન પાઉન્ડના ડેવલપમેન્ટ ફાઈનાન્સ પેકેજ માટે મહત્ત્વાકાંક્ષી સમજૂતી કરી છે. કોવિડ-૧૯ની મહામારી દરમિયાન કરાયેલી આ સમજૂતી સેન્ટ્રલ લંડનની હોટલ માટે તાજેતરની સૌથી મોટી ડેવલપમેન્ટ ફેસિલીટી પૈકીની એક ગણાય છે.

ચાર વર્ષની પ્રારંભિક ધીરાણ સુવિધામાં કેલ સ્ટ્રીટ ૧૬૦ મિલિયન પાઉન્ડ અને ક્રોસટ્રી ૭૦ મિલિયન પાઉન્ડ આપશે. આ સુવિધાને વધુ સમય માટે લંબાવી શકાશે અને તેમાં ICG Longbow પાસેથી લીધેલી ૮૦ મિલિયન પાઉન્ડની લોનનું રિફાઈનાન્સિંગ કરાયું છે. આ પ્રકારના હોટલ પ્રોજેક્ટ્સને ધિરાણ પૂરું પાડવાનો બહોળો અનુભવ ધરાવતા કેલ સ્ટ્રીટ અને ક્રોસટ્રી સાથે શિવા ગ્રૂપનું આ પ્રથમ ટ્રાન્ઝેક્શન છે. અગાઉ આ જગ્યાએ NCP સંચાલિત કાર પાર્કિંગ હતું.

શિવા હોટેલ્સના  મેનેજિંગ ડાયરેક્ટર રિશિ સચદેવે જણાવ્યું હતું કે,‘ હોસ્પિટાલિટી ક્ષેત્ર માટે પડકારજનક સમય હોવા છતાં, અમારા મેરિલીબોન લેન ડેવલપમેન્ટ માટે મહત્ત્વનું સીમાચિહ્ન બની રહેશે અને લંડનની સૌથી આઈકોનિક હોટેલ તરફનું આગેકદમ હશે.’ આ સ્થળ બોન્ડ સ્ટ્રીટ ક્રોસરેલ સ્ટેશનની નજીક હોવા ઉપરાંત વેલબેક સ્ટ્રીટ અને મેરિલેબોન લેનની નજીક છે.

આ જમીન સંપાદિત કર્યા પછી શિવા હોટલ્સે એક ભવ્ય બિલ્ડિંગના નિર્માણ માટે પ્લાનિંગ મંજૂરી મેળવવા વેસ્ટમિન્સ્ટર સિટી કાઉન્સિલ અને રસ ધરાવતી સ્થાનિક પાર્ટીઓ સાથે મળીને ભગીરથ કામ કર્યુ છે. આ બિલ્ડિંગમાં મલ્ટિપલ ડેસ્ટિનેશન રેસ્ટોરન્ટ્સ, રૂફટોપ સાથેનો સ્વિમિંગ પૂલ અને ઈવેન્ટના આયોજન માટે વિશાળ જગ્યા હશે. જમીનના ખોદકામ અને ફ્રેમ કન્સ્ટ્રક્શનના કામ માટે બાંધકામ નિષ્ણાત જહોન એફ હન્ટની નિમણુંક કરાઈ છે, જ્યારે મુખ્ય કોન્ટ્રાક્ટરની નિમણુંક આવતા વર્ષની શરૂઆતમાં કરાશે. આ હોટેલ ૨૦૨૩ના પ્રારંભમાં આકાર લેશે અને તેના પ્રથમ અતિથિને આવકારશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter