લંડનઃ સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર હમઝા યુસફે ભારતમાં છેલ્લા પાંચ વર્ષથી કેદ સ્કોટિશ શીખ બ્લોગરની મુક્તિ માટેના પ્રયાસો જારી રાખવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. હમઝાએ જગતાર સિંહ જોહલના ભાઇ સાથે સ્કોટિશ પાર્લામેન્ટમાં મુલાકાત કરી હતી. જગતાર સિંહ 2017માં તેમના લગ્ન માટે ઉત્તર ભારતની મુલાકાતે ગયા હતા ત્યારે તેમની ધરપકડ કરીને એક કારમાં ઉઠાવી જવાયા હતા.
શીખ ફેડરેશન યુકેએ જણાવ્યું હતું કે, જગતાર સિંહ તેમની પત્ની ગુરુપ્રીત કૌર સાથે શોપિંગ કરી રહ્યાં હતાં ત્યારે સાદા વેશમાં આવેલા ભારતના પોલીસ અધિકારીઓએ તેમનું અપહરણ કર્યું હતું. જગતારના ભાઇ ગુરપ્રીત સિંહ જોહલ સાથેની મુલાકાત બાદ હમઝા યુસફે જણાવ્યું હતું કે, સ્કોટિશ સરકારે આ મામલો સંખ્યાબંધ વાર ભારત સરકાર સમક્ષ ઉઠાવ્યો છે અને પ્રયાસો જારી રાખશે. અમે જગતારની મુક્તિ માટે શક્ય તમામ વિકલ્પો અપનાવીશું.
હમઝા યુસફે જણાવ્યું હતું કે, જગતાર સિંહ જોહલને 2000 કરતાં વધુ દિવસથી ભારતની જેલમાં ગોંધી રખાયા છે. તેમની અટકાયત અને કસ્ટડીમાં તેમના પર ગુજારાતા અત્યાચારના અહેવાલોથી હું ઘણો ચિંતિત છું. હું જાણું છું કે આ સમય તેમના પરિવાર માટે ઘણો કપરો છે. પરંતુ આ અસામાન્ય સંજોગોમાં પણ તેમની ધીરજને સલામ છે.

