શીખ મહિલા પર બળાત્કારની પ્રશંસા કરનાર રિફોર્મ કાઉન્સિલરની હકાલપટ્ટી

એસેક્સ કાઉન્સિલમાં ચૂંટાયેલા સ્ટુઅર્ટ પ્રાયર પર ગંભીર આરોપ

Tuesday 19th May 2026 12:17 EDT
 

લંડનઃ એસેક્સમાં તાજેતરમાં ચૂંટાયેલા રિફોર્મ યુકેના કાઉન્સિલર સ્ટુઅર્ટ પ્રાયરે વોલસાલમાં શીખ મહિલા પર થયેલા બળાત્કાર અંગે વાંધાજનક ટિપ્પણી કરતાં પાર્ટીમાંથી તેમની હકાલપટ્ટી કરાઇ હતી. ગંભીર આરોપ બાદ પ્રાયરે કાઉન્સિલરપદેથી રાજીનામુ આપ્યું છે.

તપાસ અહેવાલ અનુસાર પ્રાયરે સોશિયલ મીડિયા પર અત્યંત રેસિસ્ટ ટિપ્પણીઓ કરી હતી. પ્રાયર ભૂતકાળમાં પણ અનેક વાંધાજનક પોસ્ટ મૂકી ચૂક્યાં છે. તેમણે મુસ્લિમો સામે પણ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી વિવિધ સમુદાયો અંગે ખોટા અને રેસિસ્ટ દાવાઓ કર્યા હતા.

રિફોર્મ યુકેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પ્રાયરે અંગત કારણોસર રાજીનામું આપ્યું છે અને પક્ષે તેમની સદસ્યતા રદ કરી દીધી છે. જોકે, સ્ટુઅર્ટ પ્રાયરે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે આ ટિપ્પણીઓ તેમની નથી અને તેમને બદનામ કરવાનું કાવતરું છે.

કેમડેન, હેરિન્ગે, લામ્બેથ અને હેકની કાઉન્સિલમાં પેટાચૂંટણીની નોબત

કેમડેન, હેરિન્ગે, લામ્બેથ અને હેકની કાઉન્સિલમાં ચૂંટાયેલા ગ્રીન પાર્ટીના 4 પ્રતિનિધિઓએ રાજીનામા આપી દેતાં હવે પેટા ચૂંટણીની નોબત આવી છે. તેના કારણે કરદાતાઓ પર 80,000 પાઉન્ડનો બોજો પડશે. દરેક પેટાચૂંટણી માટે સ્થાનિક સત્તાવાળાઓને 20થી 25 હજાર પાઉન્ડનો ખર્ચ થતો હોય છે. લેબર પાર્ટીના પ્રવક્તાએ આરોપ મૂક્યો હતો કે ગ્રીન પાર્ટીના ઉમેદવારોની અક્ષમતાના કારણે કરદાતાઓ પર બોજો પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter