લંડનઃ વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે ત્રણ સંતાનોની માતા 36 વર્ષીય સુરિન્દર કૌર વારિયાપ્રાજની 1996માં કરાયેલી હત્યાના નહિ ઉકેલાયા કેસની પુનઃ તપાસ આદરી ન્યાય અપાવવો જોઈએ તેવી માગણી ડોમેસ્ટિક એબ્યુઝ ચેરિટી શીખ વિમેન્સ એઈડ સંસ્થાના કર્મશીલોએ કરી છે. સુરિન્દર કૌરની હત્યા તેના હેન્ડઝવર્થ ખાતેના ઘરમાં કરવામાં આવી હતી. સઘન તપાસ અને 2020માં ડીએનએ સંબંધે નોંધપાત્ર સફળતા મળવાં છતાં, તેના હત્યારાને પકડી શકાયો નથી.
ડાઈવોર્સી અને ત્રણ બાળકો છતાં, એકલી રહેતી સુરિન્દર કૌરની હત્યાને 27 વર્ષ થવાં છતાં, ન્યાય નહિ મળતા ભૂલાઈ ગયેલી શીખ મહિલાનો કેસ ઉકેલવા પોલીસે નવેસરથી સાક્ષીઓને આગળ આવવાની અપીલ કરવા સાથે તપાસની કાર્યવાહી કરવી જોઈએ તેવી માગણી સંસ્થાએ કરી છે. સુરિન્દર કૌરનો મૃતદેહ સડી ગયેલી હાલતમાં 1996માં તેના ચર્ચિલ રોડ, હેન્ડ્ઝવર્થના નિવાસે મળી આવ્યો હતો. તેને પાંચ સપ્તાહ સુધી જોવામાં આવી ન હતી. સઘન ફોરેન્સિક ચકાસણીઓ, ઘર-ઘરની પૂછપરછો અને 147 સાક્ષીઓના નિવેદનો લેવાયા પછી પણ આજદિન સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસની હોમિસાઈડ રિવ્યૂ ટીમના જેની બિર્કે વારિયાપ્રાજ અને અન્ય મહિલા કુલદીપ કૌર સિદ્ધુની હત્યાના કેસ બાબતે અપડેટ આપતાં કહ્યું હતું કે આ તબક્કે બંને હત્યાઓ સાથે સંકળાયેલી નવી કોઈ કડી તે તપાસની દિશા જોવા મળતી નથી.


