શીખ સાથીની પાઘડી અને ધર્મની મજાકઃ લેક્ચરરનું લાઈસન્સ રદ

Wednesday 01st June 2022 06:48 EDT
 

)લંડનઃ બ્રિટનના કેમ્બ્રિજમાં એન્જલિઆ રસ્કિન યુનિવર્સિટીના સીનીયર પીડિઆટ્રિક નર્સિંગ લેક્ચરર મૌરિસ સ્લેવનને તેમના શીખ સહયોગીની ‘પાઘડી’ની મશ્કરી અને અન્ય ધાર્મિક ટીપ્પણીઓ સાથે કનડગત કરવા બદલ નર્સિંગ અને મિડવાઈફરી કાઉન્સિલ (NMC) દ્વારા ડિજિટલ સુનાવણી પછી મેડિકલ રજિસ્ટરમાંથી દૂર કરી નર્સિંગ લાઈસન્સ રદ કર્યું છે.

મૌરિસ સ્લેવન 22 વર્ષથી એન્જલિઆ રસ્કિન યુનિવર્સિટીના નર્સિંગ લેક્ચરર હતા અને 2016થી 2018ના ગાળા દરમિયાન શીખધર્મી સહયોગીની ધાર્મિક માન્યતાઓની મજાક ઉડાવતા રહ્યા હતા. તેમણે શીખોની પાઘડીની વારંવાર ‘બેન્ડેજ’ અને ‘હેટ’ તરીકે સરખામણી કરી હતી. તેઓ શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજી અને શીખોની કિરપાણ વિશે જોક્સ કરતા હતા. સ્લેવને એમ કહ્યું હતું કે,‘હું અને ગુરુ નાનક શ્રેષ્ઠ મિત્રો છીએ. હું તેમને બરાબર જાણું છું. આ વર્ષે તેઓ ફાધર ક્રિસમસનો વેશ ધારણ કરવાના છે તેમ પણ મને કહ્યું છે.’

NMCએ ડિજિટલ સુનાવણી પછી સ્વેવનને મેડિકલ રજિસ્ટરમાંથી દૂર કર્યા છે. સુનાવણીમાં હાજર નહિ રહેલા સ્લેવને આક્ષેપોની કબૂલાત કરતા કહ્યું હતું કે આ તો માત્ર મિત્રો વચ્ચેની મજાક-મશ્કરી હતી. ટ્રિબ્યુનલના રિપોર્ટ અનુસાર સહયોગી શીખ લેક્ચરરનું વંશીય ઉત્પીડન કરનારા સ્વેલન ભવિષ્યના નર્સિંગ પ્રોફેશનલ્સને શીખવવાની વિશ્વાસપાત્ર પોઝિશનમાં હોવાથી તેમનું ગેરવર્તન ગંભીર ગણાવું જોઈએ. તેમણે વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે આદર્શ બની રહેવાના બદલે નર્સના સ્વીકાર્ય માપદંડોથી અળગા થયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter