લંડનઃ બ્રિટનમાં પતિ જ્યારે પત્નીને કહે કે હું થોડોક સમય ગોલ્ફ રમીને આવું છું ત્યારે તેને શંકા જાય છે કે પતિદેવ ગોલ્ફ રમવાના બહાને તેની પ્રેમિકાને મળવા તો નથી જઈ રહ્યાને? જોકે પત્નીઓની આ શંકાને સમર્થન આપે તેવું જ તારણ એક સર્વેમાં નીકળ્યું છે. તાજેતરમાં હાથ ધરાયેલાં આ સર્વેક્ષણના તારણ અનુસાર પતિદેવો જ્યારે તેની પ્રેમિકાને મળવા જવાનું આયોજન કરતા હોય છે ત્યારે પત્ની સમક્ષ મિત્ર સાથે ગોલ્ફ રમવા જઈ રહ્યા હોવાનું બહાનું સૌથી વધુ બતાવે છે.
સર્વેક્ષણના અંતે જાણકારી મળી છે કે ૩૪ ટકા જેટલા બિનવફાદાર પતિ પોતાના લગ્નેતર સંબંધો છુપાવવા માટે પત્નીને પોતે ગોલ્ફ રમવા જઈ રહ્યા હોવાનું કહીને પ્રેયસીને મળવા પહોંચી જતા હોય છે. યુકેની એક અગ્રણી ડેટિંગ વેબસાઇટ દ્વારા આ સર્વેમાં ૨૦૦૦ પુરુષોને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે લગ્નેતર સંબંધો જાળવી રાખવા પતિદેવો ગોલ્ફને શરણે સૌથી વધુ સંખ્યામાં જતા હોય છે. આ ઉપરાંત બિઝનેસ મિટિંગ છે..., ઓફિસમાં મોડું થશે..., દોસ્તો સાથે પબમાં જઈ રહ્યો છું..., જિમમાં જઈ રહ્યો છું જેવાં બહાનાં તો ખરાં જ.
પતિદેવો ‘૧૮ હોલ ગોલ્ફ’ રમવાનું બહાનું કેમ બતાવતા હોય છે? તે પણ જિજ્ઞાસાનો પ્રશ્ન છે. ૯ નહીં, પરંતુ ૧૮ હોલ ગોલ્ફનું બહાનું પસંદ કરવા પાછળનું પ્રથમ કારણ એ કે સમય પૂરતો મળી રહે છે. બીજું કોઇને શંકા ના ઊપજે એે રીતે આ બહાનાનો વારંવાર ઉપયોગ કરી શકાય છે.
વારંવાર બિઝનેસ મિટિંગનું બહાનું તો કાઢી ન શકાય! પત્ની પ્રશ્ન કરે જ. એવો પ્રશ્ન આવે જ કે આટલી બધી બિઝનેસ મીટ હોય ખરી? વળી, ગોલ્ફ તે પુરુષોની પ્રિય રમત હોય છે. પત્નીને તમારી હોબી તરફ સન્માન જન્મે છે. પતિ મિત્રો સાથે પબમાં જઇને બેસે તેનાં કરતાં ગોલ્ફ રમવા જાય તે દરેક પત્નીને ગમતું હોય છે. વળી, કોઈ પણ મોસમમાં ગોલ્ફ રમી શકાય છે. બહાર વાતાવરણ ભલે ખરાબ હોય, પણ ગોલ્ફ રમવા તો જઈ જ શકાય. આમ પ્રેમિકાને મળવાનું દરેક રીતે સલામત બહાનું એટલે ગોલ્ફ.
વળી, આ બહાનાં પાછળ કાંઈ ખાસ ખર્ચ થતો નથી. કોઈ લો-કોસ્ટ ગોલ્ફ ક્લબનું સરનામું યાદ હોવું જોઇએ અને ગોલ્ફ રમવા માટે થોડાં ગ્લોવ્સ ખરીદવાં પડે. બસ, આટલું કરો એટલે તમારી વાત કોઈ પણ માની જાય. સામા પ્રશ્નો થાય નહીં.
આ સર્વેક્ષણમાં ભાગ લેનારી એક વ્યક્તિએ તો નિખાલસપૂર્વક કબૂલ્યું હતું કે તે ગોલ્ફ વિશે કાંઈ જાણતો જ નથી, પણ મજાની વાત એ હતી કે તેની પત્ની પણ ગોલ્ફ વિશે કાંઇ જાણતી નહોતી. કેટલીક બેઝિક ગોલ્ફ ટર્મિનોલોજી શીખી લીધી હતી, જેથી વાતચીતમાં તેનો ઉપયોગ કરી શકાય. બસ, પત્ની સમક્ષ તેનો ઉપયોગ કરતાં જ પ્રેમિકાને મળવાનો માર્ગ મોકળો થઇ જતો હતો, ઇન્કવાયરીના એક પણ પ્રશ્નનો જવાબ આપ્યા વગર.


