શું તમે જાણો છો બ્રિટનમાં રાજાશાહી 11 વર્ષ માટે નાબૂદ થઇ હતી?

કિંગ ચાર્લ્સ પહેલા ફક્ત એવા રાજા હતા જેની સામે જનક્રાંતિ થઇ હતી

Wednesday 14th September 2022 05:05 EDT
 
 

લંડન

બ્રિટનના નવા રાજાનું નામ કિંગ ચાર્લ્સ થર્ડ આપવામાં આવ્યું છે. જન્મ સમયે તેમનું નામ ચાર્લ્સ ફિલિપ આર્થર જ્યોર્જ રાખવામાં આવ્યું હતું. તેઓ અન્ય નામની પણ પસંદગી કરી શક્યા હોત. કિંગ ચાર્લ્સ પહેલા 1625માં રાજગાદી પર બેઠા હતા. બ્રિટનના આ ફક્ત એક જ રાજા છે જેના સમયગાળામાં જનક્રાંતિ થઇ હતી અને તેના કારણે બ્રિટનમાંથી રાજાશાહી નાબૂદ કરી દેવામાં આવી હતી. 1642માં કિંગ ચાર્લ્સ પહેલાએ હાઉસ ઓફ કોમન્સમાં સાંસદોની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે બ્રિટનમાં ગૃહયુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું હતું. આ ગૃહયુદ્ધમાં ઓલિવર ક્રોમવેલની આગેવાની હેઠળની સાંસદોની સેનાનો વિજય થયો હતો અને 1649માં કિંગ ચાર્લ્સ પહેલાને દેશદ્રોહ માટે દોષી ઠરાવીને તેમનો શિરોચ્છેદ કરાયો હતો. ત્યારપછીના 11 વર્ષ સુધી બ્રિટનમાં રાજાશાહી નાબૂદ રહી હતી અને ઓલિવર ક્રોમવેલના નેતૃત્વમાં સંસદે દેશ પર શાસન કર્યું હતું. તે સમયગાળામાં કિંગ ચાર્લ્સ પહેલાના પાટવી કુંવર વિદેશમાં રહેતા હતા. 1660માં બ્રિટનમાં ફરી રાજાશાહીની સ્થાપના કરાઇ હતી અને કિંગ ચાર્લ્સ બીજાની તાજપોશી થઇ હતી. જોકે તેમની પાસેથી ઘણા અધિકાર છીનવી લેવાયા હતા. તેઓ સંસદની મંજૂરી વિના કોઇ કાયદો ઘડી શક્તા નહોતા. ત્યારપછીના વર્ષોમાં એવી પ્રથા નક્કી કરવામાં આવી કે બ્રિટિશ રાજવીએ લોકશાહી ઢબે ચૂંટાયેલી સંસદના નિર્ણયોને સ્વીકારવા પડશે. કિંગ ચાર્લ્સ બીજાએ બ્રિટન પર 25 વર્ષ શાસન કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter