લંડનઃ કોહિનૂર હીરો પરત કરવાની ભારતની માગ પરના એક સવાલના જવાબમાં બ્રિટનના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર કલ્ચર લિસા નેન્ડીએ જણાવ્યું હતું કે, સાંસ્કૃતિક કલાકૃતિઓના સંદર્ભમાં ભારત અને યુકે વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. મહારાજા દુલિપસિંહ દ્વારા વર્ષ 1849માં ક્વીન વિક્ટોરિયાને 108 કેરેટનો કોહિનૂર હીરો ભેટમાં અપાયો હતો. 1937માં હીરાને બ્રિટિશ તાજમાં જડાયો હતો.
નેન્ડીએ જણાવ્યું હતું કે, અલગ અલગ સમયગાળાની કલાકૃતિઓનો યુકે અને ભારત એમ બંનેને લાભ મળી શકે તે માટે છેલ્લા કેટલાક સમયથી યુકે અને ભારત વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. મેં મારા ભારતીય સમકક્ષ અંગે આ મામલે ચર્ચાઓ કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, અમારા સાયન્સ મ્યુઝિયમ ગ્રુપ સંયુક્ત સહકાર, સંયુક્ત પ્રદર્શનો માટે નેશનલ મ્યુઝિયમ ગ્રુપ સાથે મળીને કામ કરી રહ્યાં છે. ભારતની મુલાકાતે આવેલા નેન્ડીએ નવી દિલ્હીમાં નવા સાંસ્કૃતિક સહકાર કરાર પર ભારતના ટુરિઝમ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સાથે હસ્તાક્ષર કર્યા હતા.