નવી દિલ્હીઃ ભારતના સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી શું બ્રિટિશ નાગરિકતા પણ ધરાવે છે તેવો સવાલ ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે. રાહુલ ગાંધીની બેવડી નાગરિકતા અંગે તપાસની માગ કરતી પીટિશન અલાહાબાદ હાઇકોર્ટમાં દાખલ કરાઇ હતી જેના પગલે અદાલતે કેન્દ્ર સરકાર પાસે જવાબની માગ કરી હતી. પીટિશનમાં આરોપ મૂકાયો હતો કે રાહુલ ગાંધી બ્રિટનની પણ નાગરિકતા ધરાવે છે તેથી તેમની ભારતની નાગરિકતા રદ કરી દેવી જોઇએ. અરજકર્તા એસ. વિજ્ઞેશ શિશિરે આ મામલામાં સીબીઆઇ તપાસ કરવાની પણ માગ કરી છે.
કેન્દ્ર સરકારે અદાલતને જવાબ આપતાં જણાવ્યું હતું કે, અમે આ મામલમાં તપાસ કરી રહ્યાં છીએ. અદાલતે અધિક સોલિસિટર જનરલ એસ બી પાંડેને ગૃહ મંત્રાલય પાસેથી 3 સપ્તાહમાં માહિતી મેળવી અદાલત સમક્ષ રજૂ કરવા આદેશ આપ્યો હતો.
અરજકર્તાએ જણાવ્યું હતું કે, અદાલતે તેના આદેશમાં સ્પષ્ટ જણાવ્યું છે કે આ મામલામાં 19 ડિસેમ્બર સુધીમાં સ્પષ્ટ નિર્ણય લેવામાં આવે. હું આશા રાખું છું કે ભારત સરકાર રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ કરી દેશે. યુકે સરકાર સાથેના સંદેશાવ્યવહાકમાં અમને સ્પષ્ટ માહિતી મળી છે કે રાહુલ ગાંધીનું નામ સિટિઝનશિપ રેકોર્ડમાં છે.


